નવી દિલ્હીઃ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબી અને બેરોજગારીમાંથી પસાર થઈ રહ્યો છે, લગભગ 90 ટકા વસ્તી બેકાર હોવાથી નોકરી વાચ્છુકો લાંચ આપીને નિમ્ન સ્તરની નોકરી મેળવવા પ્રયાસો કરે છે. બીજી તરફ નોકરી મેળવાનો પ્રયાસ કરતી યુવતીઓને શારીરિક શોષણનો ભોગ બનવુ પડે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં સારી નોકરી નહીં હોવાથી 1.40 કરોડથી વધારે લોકો આજીવિકા મેળવવા માટે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. લાંચ આપીને નોકરી મેળવતા યુવાનોનું શોષણ પણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. આર્થિક સંકટનો સામનો કરતુ ઝીમ્બાબ્વેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી તરફ નાણાના અભાવે તેઓ આયાત પણ કરી શકતા નથી. ઝિમ્બાબ્વેમાં એપ્રિલ મહિનામાં મોંઘવારી દર 100% જેટલો હતો. દેશની વર્તમાન આર્થિક સ્થિતિના કારણે નેપોટિઝમ, ભાઈ-ભત્રીજાવાદ જોરમાં આવ્યો છે. દેશમાં મેનેજર લેવલના લોકો કંપનીના મોટા ભાગના પદો પર પોતાના સંબંધીઓને રિઝર્વ કરી દે છે.