Site icon Revoi.in

મણિપુરમાં CM એન બિરેનસિંહના સુરક્ષા કાફલા ઉપર ઉગ્રવાદીઓનો હુમલો

Social Share

નવી દિલ્હીઃ કાંગપોકપી જિલ્લામાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને જોતા સુરક્ષા દળોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી. કોટલાને ગામ પાસે મોડે સુધી ધાણીફુટ ગોળીબાર ચાલ્યો હતો.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી બિરેન સિંહ હજુ સુધી દિલ્હીથી મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા નથી. તે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા જેથી જીલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવે.” ખરેખર, ઉગ્રવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, મણિપુરના જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. શનિવારના રોજ બનેલી ઘટના પછી, અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.

મણિપુરના જીરીબામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોઇબામ સરતકુમાર સિંહ નામનો વ્યક્તિ 6 જૂને પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, બાદમાં તેનું શરીર મળી આવ્યું હતું, જેના પર તીક્ષ્ણ હથિયારના ધા મળી આવ્યાં હતા. ગયા વર્ષના મે મહિનાથી ચાલી રહેલી જાતિ હિંસામાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.