દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી કટ્ટરપંથીઓના ઉપદ્રવના બનાવોમાં વધારો થયો છે. દુર્ગા પંડાલમાં તોડફોડ અને હિંસા તથા ઈસ્કોન મંદિરમાં તોડફોડ બાદ હિંસા આચરી હતી. આ બંને બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. તેમજ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. દરમિયાન કટ્ટરપંથીઓએ હિન્દુઓના 65 જેટલા મકાનોને આગ ચાંપી હોવાનું જાણવા મળે છે. જે પૈકી 20 મકાન બળીને રાખ થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટના પગલે કટ્ટરપંથીઓમાં રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા. તેમજ હિન્દુઓના એક-બે નહીં પરંતુ 60 જેટલા મકાનોને નિશાન બનાવ્યાં હતા. જે પૈકી 20 મકાનો સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે, નહીં તે જાણી શકાયું હતું. જો કે, આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તોફાનીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં થયેલા વધારાને પગલે હિન્દુઓમાં ભય ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ દેશમાં દૂર્ગા પૂજા દરમિયાન થયેલા હુમલાના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. તેમજ પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બાંગ્લાદેશમાં બનતી ઘટનાઓ અંગે દખલગીરિ કરવા માટે અપીલ કરી હતી.