નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી હોવાનું ઘટના સામે આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધીને કટ્ટરપંથીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવેલું મહાકાલી માતાના મંદિરમાં તોફાનીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને આરોપીઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. મૂર્તિના કેટલાક ટૂકડા મંદિર પરિસરમાં આમતેમ વિખરાયેલા પડ્યા હતા જ્યારે માતાજીની મૂર્તિનું માથું મંદિરથી અડધો કિલોમીટર દૂર રસ્તા ઉપર ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાની હિન્દુ સમુદાયમાં મોટાપાયે રોષની લાગણી ફેલાયેલી છે.
મંદિર સમિતિના પ્રમુખ સુકુમાર કુંડાએ કહ્યું હતું કે, આ હુમલો રાત્રે 3થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો. મંદિરમાં કોઈ સુરક્ષા ન હોવાથી હુમલાખોરો કોઈપણ ડર વગર મૂર્તિઓને તોડવામાં સફળ રહ્યા હતા. પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે. આ હુમલામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી. મંદિર પરિસમાં નુકસાન થયું છે.