ફેસ કેર: બટાકાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મળે છે ખીલ અને બ્લેકહેડ્સથી રાહત, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
આજ કાલ પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં તથા રોડ પર ઉડતી ધુળ અને તેના કારણે ચહેરાની સુંદરતા બગડી જતી હોય છે. ચહેરા પર ધુળ અને માટીના કારણે ચહેરો નરમ પડી જતો હોય છે અને કેટલીક વાર ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા જોવા મળતી હોય છે. આ કારણે કેટલાક લોકો હેરાન – પરેશાન પણ થતા હોય છે પણ હવે તેનાથી પરેશાન થવાની જરૂર નથી.
જો ચહેરા પર ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા હોય તો બટાકાનો કેટલાક પ્રકારે ઉપયોગ કરી શકાય છે જેનાથી સ્કિનની સમસ્યાઓને દૂર કરી શકાય છે. બટાકાનું શાક તો તમે બહુ ખાતાં હશો પણ શાકભાજીનો રાજા બટાકામાં આયર્ન, વિટામિન સી અને રિબોફ્લેવિન ભરપૂર પ્રમાણમાં હોય છે. પણ માત્ર તેને ખાવાથી જ નહીં પણ લગાવવાથી પણ સ્કિનને ઘણા ફાયદા મળે છે.
કાચાં બટાકાનો રસ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. આ સ્કિનના ખુલ્લા રોમ છિદ્રો બંધ કરીને સ્કિનને ટાઈટ રાખે છે અને કરચલીઓ દૂર કરે છે, બ્લેકહેડ્સ અને ખીલમાં પણ રામબાણ છે સાથે જ તેને બનાવવું પણ એકદમ સરળ છે.
આ ફેસપેક સ્કિનનો ગ્લો વધારે છે અને ડાઘ-ધબ્બા પણ દૂર કરવામાં મદદ કરે છે. આને બનાવવા માટે અડધાં બટાકાનો રસ કાઢી તેમાં 1 ચમચી મુલતાની માટી અને થોડાં ટીપાં ગુલાબ જળ મિક્સ કરીને ફેસ અને ગરદન પર લગાવો. 30 મિનિટ બાદ ધોઈ લો.
બટાકા અને હળદરનો ફેસપેક લગાવવાથી ટેનિંગ દૂર થાય છે અને સ્કિનનો રંગ પણ નિખરે છે. તેના માટે અડધાં બટાકાનો રસ કાઢી તેમાં એક ચપટી હળદર પાઉડર મિક્સ કરીને ફેસ અને ગરદન પર લગાવી દો. અડધાં કલાક બાદ ફેસવોશ કરી લો.
જો કે આ એક આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર છે. આ પ્રકારે ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા દુર કરી શકાય છે પણ કેટલીક ત્વચાને આ ઘરેલું ઉપાય માફક ન પણ આવે. તો તે માટે તેમણે ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને તે બાદ જ આગળ વધવું જોઈએ.