Site icon Revoi.in

ચીનના ઘણા શહેરોમાં ફેક્ટરીઓ બંધ કરવામાં આવી,કારણ છે વીજળીનું સંકટ

Social Share

દિલ્હી:ચીન ભલે અત્યારે કોઈ પણ કારસ્તાન કરતું હોય, તાઈવાન પર દબાણ કરતું હોય કે ભારતીય સરહદ પર છમકલા કરતું હોય પણ ચીનની આંતરિક સમસ્યાઓ પણ વધારે છે. હાલ હવે ચીનની અંદર વધારે મોટી સમસ્યા પેદા થઈ છે અને તે છે વીજળીની અછત. તો વાત કરવામાં આવે તો ચીનના ઘણા શહેરોમાં હાલ વીજળી નથી. જેના કારણે ફેક્ટરીઓને બંધ કરવાની ફરજ પડી રહી છે અથવા અઠવાડિયામાં માત્ર થોડા કલાકો કામ કરી રહ્યા છે. ચીનમાં આ કટોકટી પાછળનું કારણ કોલસાની વધતી કિંમત અને માંગ છે. પાવર પ્લાન્ટ ખોટમાં છે અને તેથી શટડાઉનની સ્થિતિ આવી ગઈ છે.

વિશ્વભરમાં વીજળી કટોકટી સામે આવી રહી છે. ત્યારે ચીન પણ એક દાયકામાં તેના સૌથી મોટા વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં ઉર્જાની વધતી માંગ વચ્ચે યુરોપ પણ ગેસની અછતનો સામનો કરી રહ્યું છે. કોલસાની કટોકટીના કારણે ભારતમાં પણ બ્લેકઆઉટનો ભય સતાવી રહ્યો છે. ચીનના 16 પ્રાંતોમાં વીજ પુરવઠામાં તંગી છે, પરંતુ સંપૂર્ણ અંધારપટ થયો નથી. કટોકટી વચ્ચે ચીનના સૌથી મોટા કોલસા ઉત્પાદક ક્ષેત્ર,શાંક્સી પ્રાંતે તેની 98 કોલસાની ખાણોને તેમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 55.3 મિલિયન ટન વધારવાનો આદેશ આપ્યો છે. શાંક્સી લગભગ 51 કોલસાની ખાણોને પણ મંજૂરી આપશે જે તેમના મહત્તમ વાર્ષિક ઉત્પાદન સ્તરે પહોંચી ગયા છે. ચીનના કોલસા ઉત્પાદનમાં બીજા સૌથી મોટા પ્રદેશ આંતરિક મંગોલિયામાં 72 ખાણોને તાત્કાલિક ઉચ્ચ ક્ષમતા પર કામ કરવાનું કહેવામાં આવ્યું છે. જો તેઓ સુરક્ષિત ઉત્પાદન સુનિશ્ચિત કરે.

આટલું કર્યું હોવા છતાં સરકારી અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ જલ્દી સુધરવાની નથી. જે લોકો ઠંડા પીણા અથવા આઈસ્ક્રીમ વેચે છે તેઓ વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વીજળી ન હોવાને કારણે લોકો ફ્રિજનો ઉપયોગ કરી શકતા નથી. ઘણી રેસ્ટોરન્ટમાં લોકો મીણબત્તીઓની મદદથી ખોરાક ખાઈ રહ્યા છે. ચીન ઉપરાંત જર્મનીમાં પણ પાવર કટોકટી ઉભી થઈ છે. વધુમાં યુકેમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ઓછા પુરવઠાને કારણે બ્લેકઆઉટ થવાનું જોખમ છે કારણ કે કુદરતી ગેસના ભાવમાં વધારો થયો છે. હાલના કટોકટી માટે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બને આબોહવા પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું છે.

ખાનગી મીડિયા રિપોર્ટ અનુસાર નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ફેક્ટરીઓ બંધ થવાથી વૈશ્વિક સપ્લાય ચેઈન પર અસર પડશે. જે રોગચાળાને કારણે પહેલેથી જ અસરગ્રસ્ત છે. આની અસર આ વર્ષે ચીનની આર્થિક વૃદ્ધિ પર પણ પડશે. અહીં દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં વીજ કાપની જાણ કરવામાં આવી છે. પરંતુ ઉત્તર-પૂર્વ ઉત્પાદન કેન્દ્રો હીલોંગજિયાંગ, જિલિન અને લિયાઓનિંગમાં કટોકટી સૌથી ગંભીર છે. તાજેતરમાં દુકાનદારોએ ત્રણ દિવસના અંધકાર વચ્ચે મીણબત્તીઓ સાથે કામ કરવું પડ્યું હતું. અહીં મોબાઈલ નેટવર્ક પણ અટકી ગયું છે.