અમદાવાદઃ રાજ્યમાં આજકાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જુદી જુદી રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 31 પોલિટેકનિકના આશરે ચાર હજારથી વધુ અધ્યાપકો દ્વારા શરૂ થયેલા આંદોલનમાં એન્જિનિયર્સ ડેની કાળા કપડાં પહેરી અનોખી રીતે ઉજવણી કરી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે 17 સપ્ટેમ્બરે પણ કાળા કપડાં પહેરીને વિરોધ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ બાબતે મંડળ દ્વારા સરકારને લેખિત અને મૌખિક પણ છેલ્લા કેટલાય વર્ષોથી અસંખ્ય વખત રજૂઆત કરવામાં આવી છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ,શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલી રૂબરૂ મુલાકાતો દરમિયાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા છતાં પણ આજ દિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષો સુધી રાહ જોવા છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ 12 સપ્ટેમ્બર 2022થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત 12 સપ્ટેમ્બરથી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આંદોલનનો પ્રારંભ કર્યો હતો. 70000થી પણ ટ્વિટ #Padtarprashnoના હેસ ટેગ સાથે મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વીટ કરી પોતાની માંગણી પહોંચાડવા પ્રયાસ કરેલો હતો, જે આજે પણ યથાવત છે. જેમાં રોજના સરેરાશ આશરે 25000થી વધુ ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. અધ્યાપકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે જુદા જુદા પ્રકારના પોસ્ટર બનાવી સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર દરરોજ મુકવામાં આવી રહ્યા છે. તેમના મુખ્ય માંગો ગુજરાતના તમામ અધિકારી/કર્મચારીઓ જેમ જ તેઓ માટે પ્રાણસમો પ્રશ્ન જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચના ભથ્થા અને વિવિધ પડતર પ્રશ્નો છે. આ તમામ અઘ્યાપકો 17 સપ્ટેમ્બરે પણ વડાપ્રધાનના જન્મ દિવસે કાળા કપડાં પહેરી વડા પ્રધાનને જન્મદિવસની શુભ કામના પાઠવવા સાથે પોતાના પ્રશ્નો અંગેની માંગણીઓ પહોંચાડશે.