Site icon Revoi.in

ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારને ઢંઢોળવા પ્લેકાર્ડ સાથે ગરબે ઘૂંમ્યા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. પડતર પ્રશ્નો બાબતે અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા વિવિધ કાર્યક્રમો યોજીને સરકારને ઢંઢોળવાના પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન નવરાત્રિ ચાલુ હોવાથી અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઇને ગરબો લખ્યો છે. અને અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઇને  પ્લેકાર્ડ સાથે ગરબા પણ કર્યા હતા.

ગુજરાતમાં સરકારી ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે, CAS, બઢતી, વિનંતી બદલી, એડહોક સેવા સળંગ, વર્ગ-3ની ભરતી, QIP હેઠળ ઉચ્ચ અભ્યાસ વગેરે બાબતે સરકારને અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવા છતાંયે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અધ્યાપક મંડળ દ્વારા 5 સપ્ટેમ્બર 2023 શિક્ષક દિનથી જ ત્રણ તબક્કામાં આંદોલનની જાહેરાત કરી હતી. જો કે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ મુદ્દે નિવારણ લાવવાની બાહેધરી અપાતા 15 ઓક્ટોબર 2023 સુધી આંદોલન સ્થગિત કરવા જાહેરાત કરી હતી. પણ  પ્રશ્નો ન ઉકેલાતા અધ્યાપકોએ ફરીવાર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અને પડતર પ્રશ્નો અંગે ગરબો લખીને અધ્યાપકો પ્લેકાર્ડ સાથે ગરબે ઘૂંમ્યા હતા.

અધ્યાપક મંડળના સૂત્રોના કહેવા મુજબ  8 વર્ષથી વધુ સમય પસાર થવા છતાં સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો 01/01/2016થી મળવાપાત્ર CASના લાભથી વંચિત છે  ટેકનિકલ શિક્ષણ વિભાગમાં આશરે 600 જેટલા કોર્ટ કેસો હોવા એ વિભાગની નિતિ-રીતી અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઉભો કરે છે.મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો આંદોલન શરૂ કર્યું છે. એલ. ડી. એન્જિન્યરિંગ કોલેજમાં ઇજનેરી કોલેજમાં અધ્યાપકોએ ખાસ ગરબા લખ્યા છે. જેમાં CAS સહિતના પડતર પ્રશ્નો પર ગરબા લખ્યા છે.  આ ગરબાનું ગીત ગાઈને રેકોર્ડ કરી સ્પીકર પર વગાડીને ગરબા કર્યા હતા.

મંડળના સૂત્રોએ ઉમેર્યું હતું કે, AICTE, New Delhi દ્વારા માર્ચ, 2019માં સાતમા પગારપંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ, 2020માં રાજ્ય સરકારે સાતમા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી પરિપત્ર બહાર પાડ્યું હતું. આજ AICTE નોટિફિકેશનને 4 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પણ CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા નથી.