અમદાવાદની C.U શાહ કેમ્પસની કોલેજોને સ્ટુડન્ટ્સ ન ફાળવવા સામે અધ્યાપક મંડળનો વિરોધ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સી.યુ.શાહ કોલેજના સંચાલકોએ કોલેજોના મકાનોની મરામત કરવાની હોવાથી આ વર્ષે વિદ્યાર્થીઓ ન ફાળવવા યુનિ.ના સત્તાધિશોને રજુઆત કરી હતી. આથી સી.યુ શાહ કેમ્પસમાં ચાલતી ચાર કોલેજોમાં ચાલુ વર્ષે વિદ્યાર્થી નહીં ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. અધ્યાપકોએ કૂલપતિને મળીને રજુઆત કરી હતી. કે, કોઇપણ સ્થિતિમાં બિલ્ડિંગ મરામતના નામે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં ફાળવવાનો નિર્ણય લેવો જોઇએ નહીં,
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સી.યુ. રોનક ફાઉન્ડેશન સંચાલિત સી.યુ.શાહ સાયન્સ કોલેજ, સી.યુ.શાહ કોમર્સ કોલેજ, સી.યુ.શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને સી.યુ.શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એમ, કુલ ચાર કોલેજો આશ્રમ રોડ સ્થિત કેમ્પસમાં ચલાવવામાં આવે છે. તાજેતરમાં કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને પત્ર લખીને આગામી એક વર્ષ માટે ચાર પૈકી એકપણ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા દરખાસ્ત કરવામાં આવી હતી. કોલેજમાં બિલ્ડિંગનું સમારકામ કરવાનું હોવાથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગ ભયજનક હોવાથી તાકીદે સમારકામ કરવા નોટિસ આપી છે. ત્યારે આ સ્થિતિમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં ન આવે તો સમારકામ થઇ શકે તેમ છે. એવો સંચાલકો દ્વારા યુનિને પત્ર લખવામાં આવ્યો હતો.યુનિવર્સિટીને મોકલાવેલા પત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આમ છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે અને કોઇ આકસ્મિક દુર્ઘટના થાય તો સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે. આ પ્રકારના પત્ર બાદ યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી નીડ કમિટીની બેઠકમાં આ કોલેજ કેમ્પસની ચાર કોલેજોમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયનો ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આજે મંડળના હોદ્દેદારોએ કુલપતિને મળીને આ મુદ્દે રજૂઆત કરીને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.
અધ્યાપકોએ એવી રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટી સાથે જોડાયેલી મોટાભાગની કોલેજો 50 વર્ષ જૂની છે અને દરેક કોલેજમાં સમાયાંતરે સમારકામ થતું રહે છે. કયારેક કોઇ કોલેજ દ્વારા આ પ્રકારની દરખાસ્ત કરાઈ નથી. આજ સુધી યુનિવર્સિટીએ જે તે ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખ્યા નથી. કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રાખ્યા નથી ત્યારે માત્ર સમારકામના નામે વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં ન આવે તે ઉચિત નથી. એક બિલ્ડિંગમાં સમારકામ ચાલતુ હોય તો અન્ય બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓની બેસવાની વ્યવસ્થા થઇ શકતી હોય છે. આ ઉપરાંત કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસ પણ ચાલુ છે. આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવામાં આવતો હોય તો પહેલાં વર્ષના વિદ્યાર્થીઓને કેમ પ્રવેશ આપવામાં આવતો નથી તેવો પ્રશ્ન પત્ર અધ્યાપકોએ ઊભો કર્યો હતો.