Site icon Revoi.in

કોમન યુનિવર્સિટી એક્ટ સામે અધ્યાપકોનો વિરોધ, નવા એક્ટથી યુનિની સ્વાયતતા ખતમ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટનો કાયદો ઘડવામાં આવશે. ભાજપની બહુમતી હોવાથી નવા કાયદાને મંજુરી પણ મળી જશે. અને રાજ્યપાલની અનુમતી બાદ કાયદાનો અમલ શરૂ થઈ જશે. ગુજરાત યુનિવર્સિટીઝ કોમન એક્ટને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઝની સ્વાયતતા પૂર્ણ થશે અને રાજ્ય સરકારને બધી જ સત્તા પ્રાપ્ત થશે. કહેવાય છે. કે, સેનેટ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ યાને સિન્ડિકેટનું અસ્તિત્વ જ નહીં રહે. આ સુચિત કાયદા સામે વિરોધ ઊભો થયો છે. ગુજરાત યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા વિરોધનો બૂંગિયો ફુંકવામાં આવ્યો છે. દરમિયાન  ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો કુલપતિને રજૂઆત કરવા ગયા હતા. ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ અધ્યાપકો પહોંચ્યા પરંતુ, કુલપતિ હાજર ન હોવાથી 100થી વધુ અધ્યાપકોએ કુલપતિની ચેમ્બરમાં જમીન પર બેસીને રામધૂન બોલાવી હતી. રામધૂન થકી સરકાર સુધી અવાજ પહોચાડવા પ્રયત્ન કર્યો હતો.

ગુજરાત કોમન યુનિવર્સિટીના સુચિત કાયદા સામે અધ્યાપક મંડળ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. અધ્યાપકોએ અગાઉ પણ એક દિવસનાં ધરણાં કરીને વિરોધ કર્યો હતો. અધ્યાપકોના કહેવા મુજબ  કોમન યુનિવર્સિટી એક્ટ માત્ર સરકારી યુનિવર્સિટી માટે જ છે, ખાનગી યુનિવર્સિટી માટે નથી, જેથી સરકાર સીધું નિયંત્રણ કે હસ્તક્ષેપ કરી શકશે. ગુજરાત કોમન યુનિવર્સિટી બિલ-2023ને લઈને અગાઉ અધ્યાપક મંડળ દ્વારા બેઠક કરવામાં આવી હતી. સરકારને એક્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ, કોઈ પગલાં ન લેવાતાં અંતે અધ્યાપકો હવે સરકાર સામે ધરણાં કરી રહ્યા છે.

ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓના અધ્યાપકો આ અંગે યુનિવર્સિટીનાં કુલપતિએ આવેદન આપીને રજૂઆત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ નીરજા ગુપ્તાને પણ રજૂઆત કરવા અધ્યાપકો પહોંચ્યા હતા પરંતુ, કુલપતિ નીરજા ગુપ્તા હાજર ન હોવાથી અધ્યાપકો કુલપતિની ચેમ્બરમાં બેસી ગયા હતા. અધ્યાપકોએ કુલપતિની ચેમ્બરમાં બેસીને રામધૂન બોલાવી હતી. ત્યારબાદ રજિસ્ટ્રાર પી.એમ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે, કોમન યુનિવર્સિટી બિલમાં રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળવાથી યુનિવર્સિટીની સ્વાયત્તા નહિ રહે. અમે રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ, કુલપતિ હાજર નથી. અમારી માંગ છે કે, બિલ અંગે સરકાર અમારી સાથે ચર્ચા વિચારણા કરે ત્યારબાદ જ કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવે તેવી માગ છે.

અધ્યાપકોના કહેવા મુજબ કોમન યુનિ.એક્ટથી રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે, કુલપતિની નિમણૂકમાં રાજ્ય સરકારની ભૂમિકા હશે. સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે. મિલકતના ખરીદ, વેચાણ કે લીઝ અંગેના નિર્ણયો રાજ્ય સરકારને આધીન રહેશે. ખાનગી યુનિવર્સિટીના એક્ટ લાગુ પડશે. કર્મચારીઓની બઢતી, બદલી વગેરે રાજ્ય સરકાર હસ્તક રહેશે. અધ્યાપકોના શોષણને વધુ વેગ મળશે. યુનિવર્સિટીએ સરકારના નિયમોનું પાલન કરવું પડશે યુનિવર્સિટીની સ્વાયત્તતા સંપૂર્ણપણે ખતમ થઈ જશે