ટુ-વ્હીલર વેચાણમાં થયેલા ઘટાડા વચ્ચે FADAની GST દરમાં ઘટાડો કરવાની માંગણી
નવી દિલ્હીઃ દેશમાં ઓટોમોબાઈલ ડીલરોના સંગઠન FADAએ ભારત સરકારને દ્વિચક્રી વાહનો પર લાગતો GST ઘટાડવાની માંગ કરી છે. FADAએ કહ્યું છે કે, હાલમાં ટુ વ્હીલર પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે. જે ઘટાડીને 18 ટકા કરવો જોઈએ. ટુ વ્હીલર પર જીએસટી ઘટાડવાની માંગ FADA દ્વારા કરવામાં આવી છે કારણ કે તાજેતરમાં સમગ્ર દેશમાં ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો થયો છે. FADA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2016 દરમિયાન દેશભરમાં કુલ વાહનોના વેચાણમાં ટુ વ્હીલરનો ફાળો 78 ટકા હતો. જ્યારે વર્ષ 2023 દરમિયાન તે ઘટીને માત્ર 72 ટકા પર આવી ગયો છે.
FADA અનુસાર, કાચા માલની વધતી કિંમતો, કડક ઉત્સર્જન ધોરણો, ઊંચા કર અને વસૂલાતને કારણે તાજેતરના ભૂતકાળમાં ટુ-વ્હીલરની કિંમતમાં પણ તીવ્ર વધારો થયો છે. ફડાના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં હોન્ડા એક્ટિવાની કિંમત 52 હજાર રૂપિયા હતી પરંતુ 2023માં તે વધીને 88 હજાર રૂપિયા થઈ ગઈ છે. બજાજ પલ્સરની કિંમત 2016માં 72 હજાર રૂપિયા હતી પરંતુ હવે તે 1.5 લાખ સુધી પહોંચી ગઈ છે. ટુ-વ્હીલર વાહનની કિંમતમાં વધારાને પગલે ટુ-વ્હીલર વાહનનું વેચાણ સતત ઘટી રહ્યું છે. જેથી વેપારીઓ ચિંતામાં મુકાયાં છે. FADAએ GSTમાં ઘટાડા માટે નાણાં પ્રધાન, GST કાઉન્સિલના અધ્યક્ષ, સભ્યો, પરિવહન મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલય સમક્ષ પોતાની માગણી મૂકી છે. આ અંગે સરકાર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.