પર્ણ ઓછાને ફુલ જાજા,… ફાગણે ખીલ્યો કેસુડો, રંગે રાતો, ને મદમાતો, ઘૂળેટીમાં કેસુડાનું મહાત્મ્ય
અમદાવાદઃ હોળી અને ધુળેટીના પર્વને એક જ દિવસ બાકી છે. ધૂળેટી પર્વને રંગોના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં કેસુડાના ફુલોમાંથી બનાવેલા કેસરી રંગથી લોકો ધૂળેટી રમતા હોય છે. જોકે ગામડાંમાં કેમિકલયુક્ત રંગોના સ્થાને લોકો કેસુડાથી રંગોત્સવ મનાવતા હોય છે. પણ શહેરોમાં આજે પણ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થયો હયો છે.
હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે, વસંતઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે. પ્રકૃતિ પ્રેમીઓને આ સમય પ્રિય હોય છે. લગભગ તમામ વૃક્ષો પર નવા પર્ણ અને ફૂલો આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી ગયા છે. ફાગણ માસ પૂર્વે આવા જ એક ખાખરના વૃક્ષ પર આવતા કેસૂડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે. જેમાં પલાશ તરીકે ઓળખાતું ખાખરનું આખે આખું વૃક્ષ આગવું મહત્વ ધરાવે છે. વૃક્ષની છાલ, પાન, ફૂલ, મૂળ અને ફળ તમામ વસ્તુનું વિશેષ મહત્ત્વ છે. ફાગણ પહેલા આ વૃક્ષ ઉપર આવતો કેસૂડો વન વગડાની અને ગ્રામીણ વિસ્તારના માર્ગોની શોભા વધારતા રસ્તા પર પસાર થતા અનેક લોકો કેસૂડો જોવા અને તેને મેળવવા થોભી જતા હોય છે.
ઝાલાવાડ તેમજ બનાસકાંઠા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વૃક્ષો પર કેસુડા જોવા મળે છે. હાઇવે રોડ પર કેસુડાના ઝાડ જોતા જ લોકોની નજર કેસુડાના ફૂલ તરફ આકર્ષિત થાય છે. કેસુડાના ફૂલથી સ્નાન કરવાથી તેમજ તે ફૂલથી આયુર્વેદિક ફાયદાઓ પણ છે. કેસુડાના વૃક્ષના મૂળ આંખોનું તેજ વધારવામાં ઉપયોગી છે. છાલ તથા તેના પાનના પણ અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યા છે, આપણે ત્યાં કેસરી ફૂલવાળા પલાશ વધુ માત્રામાં જોવા મળે છે. કેસૂડો કફ પિત્તનાશક પ્રકૃતિ ધરાવતો હોવાથી હોળી આવતા પહેલા બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપવા ઉપયોગી સાબિત થઈ શકે છે.
કેસૂડાના ફૂલ પાણીમાં ઉકાળી સ્નાન કરવાનું મહત્ત્વ હોવાથી ધુળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી ધૂળેટી રમવામાં આવે છે. બજારના પાકા અને કેમિકલયુક્ત કલરોનો ઉપયોગ કરવાથી લોકોને આંખ તેમજ ચામડીના રોગો થવાની શક્યતા છે. જ્યારે કેસૂડાનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા છે જે ગરમીમાં રાહત આપે છે. તેમજ ચામડીને કે આખ ને નુકશાન કરતા નથી.