જામનગર: રંગમતી નદીના પટમાં શ્રાવણી લોકમેળો નહી યોજાય
- જામનગરમાં યોજાતા લોકમેળાને કોરાનાનું સંકટ
- કોરોનાને ધ્યાનમાં રાખીને નહીં યોજાય લોકમેળો
- મહાનગર પાલિકાએ સતાવર રીતે કરી જાહેરાત
જામનગર: કોરોનાનું સંક્રમણ ભલે દેશમાં ઓછું થઈ ગયું હોય પરંતુ તેને લઈને હજુ પણ તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. આ બાબતે હાલ જામનગરની મહાનગર પાલિકાએ સતાવર રીતે જાહેરાત કરી છે કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રંગમતી નદીના પટમાં યોજાતા શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવશે નહી.
જો કે ગતવર્ષે પણ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને મેળાનું આયોજન કરવામાં આવ્યું નહોતુ. રંગમતી નદીના પટમાં શ્રાવણી લોકમેળા અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાકાળ દરમિયાન અને સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને શ્રાવણી મેળા પર સંકટના વાદળો ઘેરાયા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણ મહિનાના ચાર સોમવાર તેમજ સાતમ-આઠમના તહેવારો સહિતના શ્રાવણી મેળાનું આયોજન થાય છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાતમ-આઠમના પાંચ દિવસના જન્માષ્ટમી મેળાનું આયોજન થતું હોય છે.
જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા આ પ્રકારની તકેદારી અને નિર્ણય લેવામાં આવ્યો છે તે બિલકુલ સરાહનીય છે. કોરોનાવાયરસના સંક્રમણને કોઈ પણ વ્યક્તિએ હળવાશથી લેવુ જોઈએ નહી અને લોકોએ તકેદારી રાખવી પણ અત્યંત જરૂરી છે. દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ભારતમાં પણ કેટલાક સ્થળો પર લોકો ફરવા નીકળી જતા ભારે ભીડ જોવા મળી રહી છે જેના કારણે ત્રીજી લહેર આવી શકે છે.