Site icon Revoi.in

વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રોમાં રૂપાંતરિત કરાશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તથા નવીન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ વેંકટેશ જોશીએ વાજબી ભાવની 60 દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા પાયલોટ લોંચ કરી હતી. આ પ્રસંગે તેમણે આજે અહીં એફપીએસ સહાય એપ્લિકેશન, મેરા રાશન એપ્લિકેશન 2.0, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ક્વોલિટી મેન્યુઅલ હેન્ડબુક, કોન્ટ્રાક્ટ મેન્યુઅલ એફસીઆઈ અને 3 લેબોરેટરીઝની એનએબીએલ એક્રેડિટેશનનો પણ શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, શરૂ કરવામાં આવેલા તમામ 6 કાર્યક્રમોથી પારદર્શિતા લાવવા, કડક ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવાની સાથે સાથે ખાદ્ય સુરક્ષા પ્રણાલીને વધુ મજબૂત કરવામાં આવશે, કુપોષણને કાબૂમાં લેવામાં આવશે અને સિસ્ટમમાં થતા લીકેજને પણ અટકાવશે.

ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં વાજબી ભાવની 60 દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પાયલોટ લોંચિંગ પ્રસંગે શ્રી જોશીએ જણાવ્યું હતું કે, જન પોષણ કેન્દ્ર ભારતનાં વાજબી ભાવની દુકાન (એફપીએસ)નાં ડીલરોની આવકનું સ્તર વધારવાની માગનું સમાધાન પ્રદાન કરે છે. આ કેન્દ્રો ઉપભોક્તાઓને પોષણથી સમૃદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓની વિવિધ શ્રેણી પ્રદાન કરશે તેમજ એફપીએસ ડીલર્સને આવકનો વધારાનો સ્ત્રોત પ્રદાન કરશે. કેન્દ્ર સરકારના પ્રથમ 100 દિવસના કાર્યક્રમના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા જન પોષણ કેન્દ્રમાં પોષણની શ્રેણી હેઠળ 50 ટકા ઉત્પાદનોનો સંગ્રહ કરવાની જોગવાઈ હશે, જ્યારે બાકીની ચીજવસ્તુઓ અન્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓ રાખવા માટે હશે. કેન્દ્રીય મંત્રીએ વાજબી ભાવની દુકાનના ડીલરો સાથે પણ વાતચીત કરી હતી.

જોશીએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશ ગતિશીલ રીતે વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી રહ્યો છે. ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની આ પહેલો આ પ્રકારના પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેમાં દેશમાં ખાદ્ય સુરક્ષાનો વ્યાપ વધારવા માટે આશરે રૂ. 12 લાખ કરોડનો અંદાજિત નાણાકીય ખર્ચ થશે. વન નેશન વન રેશનકાર્ડ પહેલાથી જ દેશભરમાં સીમલેસ વ્યવહારોની સુવિધા આપી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા ડિજિટલાઇઝેશનમાં સક્રિય પ્રયાસોને પરિણામે લાભાર્થીઓને વપરાશકર્તા-કેન્દ્રિત સેવાઓમાં સુધારો થયો છે. મેરા રાશન એપ 2.0, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ક્વોલિટી મેન્યુઅલ, કોન્ટ્રાક્ટ મેન્યુઅલ, એફપીએસ સહાય એપ્લિકેશન અને એનએબીએલ એક્રેડિટેશન ઓફ લેબોરેટરીઝના લોન્ચથી ડિજિટલાઇઝેશનના પ્રયાસોને વેગ મળશે. જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થામાં વધુ નવીનતા અને એકંદરે સુધારણા લાવવા માટે તમામ હિતધારકોનાં સૂચનો માટે આ વિભાગ તૈયાર છે.

#PublicNutrition #FairPriceShops #NutritionForAll #HealthyIndia #WelfareReforms #NutritionalSupport #TransformingLives #PublicHealthInitiative #FoodSecurity #NutritionCentres