અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં નકલી આધારકાર્ડ બનાવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 163 જેટલા બનાવટી આધારકાર્ડ મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપીઓ પાસેથી અન્ય કેટલાક બોગસ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે. એટલું જ નહીં આરોપીઓએ ગેરકાયદે વરસાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને આધારકાર્ડ સહિતના દસ્તાવેજ બનાવી આપ્યાની શકયતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાંથી પોલીસે બનાવટી આધારકાર્ડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પાંચ આરોપીઓ પૈસી બે આરોપીઓ આધારકાર્ડ બનાતવી એજન્સીના અધિકૃત એજન્ટ હોવાનું જાણવા મળે છે. આરોપીઓ રૂ. 1500થી 3000 લઈને નકલી આધારકાર્ડ બનાવી આપતા હતા. આરોપીઓની ઓફિસમાંથી બોગસ આધારકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે રૂ. 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપીઓ પાસેથી 163 જેટલા બનાવટી આધારકાર્ડ, 44 જેટલા પાનકાર્ડ, 167 જેટલા ચૂંટણીકાર્ડ, 43 જેટલા લાઈટ બિલ, 11 જેટલા ઇન્કમટેક્સ રિફિલિંગ, પાંચ જેટલા પ્રોપર્ટી ટેક્સ બિલ, 5 જેટલા સ્કૂલ લિવિંગ સર્ટી, ચાર જેટલા સ્કૂલ ID, 85 જેટલા જન્મ ના દાખલા, 3 જેટલા લેપટોપ, કલર પ્રિન્ટર, લેમિનેશન મશીન, બે કોર્જન ફિંગર મશીન, આંખ સ્કેન કરવાનું મશીન, 10 CPU, પાંચ મોબાઈલ ફોન, 348 જેટલા ફોટોગ્રાફ, લેમિનેશન પેપર અને રબર સ્ટેમ્પ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.