ગાંધીનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચાંગોદરમાં એન્ટિબાયોટિકની નકલી દવાઓ બનાવતી ફેકટરી પર ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી સહિત રૂપિયા 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં ડ્રગ્સ વિભાગ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે. ફાર્માકેમ, મહારાજા હાઉસ, સેફ એક્ષપ્રેસની પાછળ, ચાંગોદર, અમદાવાદ ખાતે રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન એવી વિગતો મળી હતી કે, ફાર્માકેમના દિવ્યેશ જાગાણી નામના ઇસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઇપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબલેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ પેઢીને બનાવટી-સ્પુરીયસ એન્ટીબાયોટીક્સ સહીતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા હતા. ડ્રગ્સ વિભાગ દ્વારા દવાઓના નમુના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે.
આ ઉપરાંત તંત્રની તપાસ દરમિયાન એઝીથ્રોમાયસીન, સેફીક્ષીમ ડીસ્પર્સીબલ, એમોક્ષીસીલીન, પોટાશીયમ ક્લેવુલેનેટ, એસીક્લોફેનાક, પેરાસીટામોલ, સેરેસ્યીઓપેપ્ટીડેઝ ઘટક ધરાવતી ટેબલેટના ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૦9 દવાઓના નમુના લઈ પૃથ્થકરણ વાસ્તે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બનાવટી ઉત્પાદક ફેક્ટરી મે. ફાર્માકેમમાંથી માસ મીક્ષર, શીફ્ટર, કોમ્પ્રેસન મશીન (કુલ ૨), કોટીંગ મશીન, બ્લીસ્ટર પેકીંગ મશીન (કુલ ૩), એલ્યુ-એલ્યુ પેકીંગ મશીન (કુલ ૨), મશીનરી પાર્ટ, એએચયુ યુનીટ, એલ્યુમીનીયમ ફોઇલ, પીવીસી ફોઇલ, રૉ મટેરીયલ, કોટીંગ મટેરીયલ તૈયાર ટેબલેટ વગેરે મળીને આશરે 1.25 કરોડ રૂપિયાનો માલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે.
વધુમાં ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યુ કે મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ કંપનીના નરેશ ધનવાણીયાએ મે. પાઇકન ફાર્મા પ્રા. લી. C/o. મેડીકામેન ઓર્ગેનીક્સ લી., હરીદ્વારના ઉત્પાદકના લાયસન્સ નંબર 88/UA/LL/SC/P-2022 અને એડ્રેસનો ઉપયોગ કરી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતે બનાવટી દવાઓ બનાવડાવી ભારતભરમાં બનાવટી દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન સાથે ચેડા કરી મોટુ કાવતરુ ઘડેલ છે તે પણ આ તંત્રની ટીમે પકડી પાડ્યું છે. આમ આ ષડયંત્રના મુખ્ય સુત્રધાર તરીકે નરેશ ધનવાણીયાનુ નામ બહાર આવ્યું છે અને તેઓની સામે પણ આ તંત્રએ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.