નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં નકલી દવાના કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચે નકલી દવા બનાવીને સપ્લાય કરનારી આંતરરાષ્ટ્રીય ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલના બે કર્મચારીઓને પણ પકડી લેવામાં આવ્યાં છે. આરોપીઓ કેન્સરનું રૂ. 1.96 લાખની કિંમતના ઈન્જેક્શનમાં નકલી દવા ભરીને વેચતા હતા. કેન્સરની આ નકલી દવાઓ ફાર્માસિસ્ટ મારફતે દેશમાં જ નહીં પરંતુ ચીન અને અમેરિકા જેવા દેશોમાં પણ સપ્લાય કરતા હતા.
ક્રાઈમબ્રાન્ચે આરોપીઓ પાસેથી રૂ. 89 લાખની રોકડ, 18 હજાર ડોલર અને ચાર કરોડની નકલી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓ પાસેથી સાત આંતરરાષ્ટ્રીય અને બે ભારતીય બ્રાન્ડની નકલી દવાનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. સ્પેશિયલ સીપી ક્રાઈમબ્રાન્ચ શાલિની સિંહના જણાવ્યા અનુસાર 3 મહિનાની તપાસના અંતે તેમની ટીમે ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દિલ્હી-એનસીઆરમાં સાત-આઠ સ્થળ પર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન મોતીનગરમાં બે ફ્લેટમાં નકલી બનાવતા પકડાઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અહીં વિફિલ જૈન નામનો એક આરોપી દવા અને ઈન્જેક્શનનું યુનિટ ઉભુ કર્યું હતું. વિફલ જૈન જ નકલી દવાનું રેકેટ ચલાવતો હતો. અહીં કેન્સરની નકલી દવાઓ શીશીયોમાં ફરી ભરીને રીફિલિંગ તથા પેકેજીંગનું કામ કરવામાં આવતું હતું. પોલીસે ફ્લેટમાં 3 કેપ સીલીંગ મશીન, એક હીટ ગન મશીન અને 197 જેટલી ખાલી બોટલો જપ્ત કરાઈ હતી. નીરજ ચૌહાણ નામનો એક આરોપી ગુરુગ્રામે એક ફ્લેટમાં નકલી કેન્સર ઈન્જેક્શન અને શીશીયોનો જથ્થો જમા કરી રાખ્યો હતો. અહીંથી પોલીસે નકલી કેન્સર ઈન્જેક્શનની 137 બોટલ, 519 જેટલી ખાલી શીશીયો તથા દવા ભરેલી 864 જેટલા બોક્સ મળી આવ્યાં હતા. નીરજના પિતરાઈ ભાઈ તુષાર ચૌહાણ પણ આ પ્રકરણમાં સંડોવાયેલો હોવાનું ખૂલતા તેની પણ ધરપકડ કરી હતી.
દિલ્હીના યમુના વિહારના પરવેઝ નામના શખ્સની ધરપકડ કરી છે. પરવેઝ મુખ્ય સુત્રધાર વિફિલ જૈન માટે ખાલી શીશીયોની વ્યવસ્થા કરતો હતો. તેની પાસેથી પણ ખાલી શીશીયો બોટલો મળી હતી. દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારી કોમલ તિવારી અને અભિનય કોહલીને પણ ઝડપી લેવામાં આવ્યાં છે. આ બંને હોસ્પિટલમાં ખાલી થયેલી દવાની શીશીયો આરોપીઓને પુરી પાડતા હતા. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધવાની કવાયત શરૂ કરીને આરોપીઓને રિમાન્ડ મેળવવાના ચક્રોગતિમાન કર્યાં હતા.
(Photo-File)