- એબ્રોડેરીના કારખાનામાં જુગાર રમાતો હતો,
- તોડ કરીને નકલી પોલીસ ગયા નાસી ગઈ,
- જુગારીઓને શંકા જતાં અસલી પોલીસનો સંપર્ક કર્યો
સુરતઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ, નકલી પોલીસ, નકલી ચિજ-વસ્તુઓ પકડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સુરતમાં નકલી પોલીસે એબ્રોડેરીના કારખાનામાં જુગારના રમતા શખસોને પકડીને તોડ કર્યો હતો. આ બનાવની ફરિયાદ બાદ વરાછા પોલીસે નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરનારા 5માંથી ત્રણ શખસોને પકડી પાડ્યા હતા.
સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ ઝડપી પાડી છે. પાંચ જેટલાં શખસો પોલીસ બની એમ્બ્રોઇડરીના કારખાનામાં ચાલતા જુગાર પર રેડ કરી હતી. જેમાં જુગારનો કેસ નહિ કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઇ ગયા હતા. જુગાર રમતા શખસોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. હાલ વરાછા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી, અન્ય બે શખસને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળાનગર સોસાયટીમાં 39 વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. ગત રવિવારના રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો. આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખસો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. એક શખસ દાદરમાં ઉભો હતો. આ અજાણ્યા શખસોએ પોતે ડી-સ્ટાફવાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસ હોવાની જાણ થતા જ જુગાર રમતા તમામ લોકો ગભરાઈ ગયા હતા. પોલીસની ઓળખ આપનારા શખસોએ એ સમયે જે સ્થિતિમાં બેસ્યા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે, તેમ કહીને ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા 1.73 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી. ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી. આ સાથે જુગારનો મોટો કેસ કરીને ન્યૂઝ પેપરમાં આપવાની વાત કરીને ધમકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ચાર અજાણ્યા પૈકી બે શખસ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ જતા હતાં અને જુગારનો મોટો કેસ કરવાનો છે, તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે? પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો? તે પૂછતા હતા. દરમિયાન મનસુખએ દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું. જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો? તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમને 1.73 લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી. જેથી અજાણ્યા શખસે રૂપિયા લઇ લીધા હતા અને મોબાઈલ, બાઈકની ચાવી પરત આપી દીધી હતી. અજાણ્યા શખસો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી. જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી. ત્યારબાદ આ આવેલા અજાણ્યા શખસો મહેશ ડાંગર, આકાશ વાઘેલા, લલિત, હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે એસીપીએ જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અલગ-અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. ત્યારબાદ બાતમી આધારે અસલી પોલીસે નકલી પોલીસ બની રૂપિયા પડાવનાર મહેશ ડાંગર, લલિત ખીમજી ચૌહાણ, આકાશ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે શખસને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી મહેશ ડાંગર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેના સામે પુણા અને ભાવનગરમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે લલિત ચૌહાણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમરોલી, અડાજણ પોલીસમાં તેની સામે પણ ગુના નોંધાયેલા છે.
#FakePolice #GamblingRaids #SuratPolice #FraudCase #PoliceImpersonation #SuratNews #CrimeUpdate #GamblingBust #Forgery #CriminalActivity #PoliceOperation #SuratCrime #JusticeServed #CrimePrevention #LegalAction