Site icon Revoi.in

ઊંઝામાં ફેક જીરૂ બનાવતી ફેકટરી પકડાઈ, ફુડ અને ડ્રગ્સ વિભાગે 31000 કિલો જથ્થો જપ્ત કર્યો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક લોકો વધુ નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં પણ ખચકાતા નથી. હાલ જીરાંના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે જીણી વરિયાળી પર ગોળનું આવરણ ચઢાવીને એસન્સ છાંટીને સુગધિત કરીને નકલી જીરૂ બનાવતી ફેકટરી મહેસાણાના ઊંઝા નજીકથી પકડાઈ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણાના ઊંઝા ખાતેથી આશરે રૂ. 89 લાખની કિંમતના 31.000 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે,

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર  એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી એક ફેકટરીમાં રેઇડ કરાતા બનાવટી જીરૂ બનાવવાનું રેકેટ પકડી પાડવામાં આવ્યુ હતુ. ફેકટરીમાં વેપારી  ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવવામાં આવતુ હતું. પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો 643  લીટર જથ્થો,  “મિક્ષ પાઉડર” નો  258  કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298  કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો  24,718  કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. અને સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000  કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.