જુનાગઢમાં મંત્રીનો નકલી PA બાદ ફેક ડીવાયએસપી પકડાયો, 17 લોકો સાથે કરી હતી છેતરપિંડી
જૂનાગઢ: ગુજરાતમાં અધિકારીઓના સ્વાંગમાં લોકો પર રૂઆબ જમાવીને કેટલાક ઠગ શખસો છેતરપિંડી કરતા હોય છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આવા ઘણા કિસ્સા પકડાયા છે. ત્યારે તાજેતરમાં જ જૂનાગઢમાંથી રાજ્યકક્ષાના મંત્રીનો નકલી PA ઝડપાયો હતો. ત્યાં જ શહેરમાંથી નકલી ડીવાયએસપી બનીને ફરતો એક શખસ ઝડપાતાં ચકચાર મચી છે. ડીવાયએસપીનાં સ્વાંગમાં ફરતો શખસ હકિકતમાં ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. અને ડીવાયએસપીનું નકલી ઓળખપત્ર લોકોને બતાવીને છેતરપિંડી કરતો હતો. અત્યારસુધીમાં અલગ અલગ 17 જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાનું વચન આપી 2.11 કરોડ રૂપિયા જેવી રકમ પડાવી લીધી હોવાની વિગતો સામે આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. આરોપીએ વધુ લોકોને ખંખેર્યા છે કે નહીં એને લઈ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં નકલી જીરું પકડાયું હતું તો દોઢ વર્ષથી ધમધમતું નકલી ટોલનાકું પણ પકડાયું હતુ, ત્યારબાદ નકલી MLA ઝડપાયા હતા. હવે જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાયો છે. જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ નકલી ડીવાયએસપીના સ્વાંગમાં શખસ પકડાયો છે. મુળ અમદાવાદના મણિનગરનો રહેવાસી અને જુનાગઢમાં ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનીત બંસીલાલ દવે નામનો શખ્સ ડીવાયએસપીનો રોફ મારતો પોલીસના હાથે ઝડપાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડીવાયએસપીનો હોદ્દો ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરતો અમદાવાદનો વતની એવો વિનીત બંસીલાલ દવે નામનો શખ્સ જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. લોકોને છેતરવા ડીવાયએસપી તરીકેની ઓળખ આપી બનાવટી આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સામાન્ય લોકોને બતાવી સરકારી ડીપાર્ટમેન્ટમાં પોતે ઉચ્ચ અધિકારીઓને ઓળખે છે અને પોતાનું સેટીંગ છે. તેમ જણાવી સરકારી નોકરી અપાવાની લાલચ આપી લોકો પાસેથી ખુબ જ મોટી રકમના નાણા પડાવી છેતરપીડી અને વિશ્વાસઘાત કરતો હતો. નકલી ડીવાયએસપી વિનીત દવેએ સૌરાષ્ટ્રમાં 17 જેટલા લોકો સાથે નોકરી આપવાની લાલચ આપી અંદાજે બે કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું, જે નકલી ડીવાયએસપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એમ.જી.રોડ પરથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. ભેજાબાજે પોતાના ફેમિલી કોર્ટના ડ્રાઈવર સાથે સિવિલ પ્રિન્સિપાલ જજનું ડુપ્લીકેટ કાર્ડ પણ બનાવ્યું હતું. ઉપરાંત ડીવાયએસપી તરીકેનું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું. પાટણના બે પોલીસકર્મીઓના પણ આઈકાર્ડ બનાવ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.