Site icon Revoi.in

ચારધામ યાત્રામાં નકલી ઈ-પાસનો પર્દાફાશઃ 18 યાત્રાળુઓ પાસેથી મળ્યા ઇ-પાસ

Social Share

દિલ્હીઃ ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા શરૂ થઈ છે. લાંબા સમય પછી ભક્તોની ચાર ધામ યાત્રાના દર્શન કરવા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચી રહ્યાં છે. પહેલા જ દિવસે ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા 19 હજારથી વધુ ઈ-પાસ આપવામાં આવ્યા છે. જ્યારે ચારસો યાત્રાળુઓએ બદ્રીનાથ, કેદારનાથ મંદિરની મુલાકાત લીધી છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસે નકલી પાસ સાથે ચાર ધામ જવાનો પ્રયાસ કરતા 18 યાત્રાળુઓને ઝડપી લીધા હતા અને તેમને પરત કર્યા હતા. આ 18 લોકો રૂદ્રપ્રયાગ જિલ્લાના સોનપ્રયાગ ખાતે એક ચેકપોસ્ટ પર પકડાયા હતા.

રૂદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક આયુષ અગ્રવાલે જણાવ્યું હતું કે, ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત લોકોની યાદીમાં મુસાફરોના નામ ન મળ્યા બાદ 18 લોકો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમને ચેકપોસ્ટ પરથી જ પરત કરવામાં આવ્યા છે. તે જ સમયે, યાત્રાળુઓએ પોલીસને જણાવ્યું કે તેઓએ તેમના વિસ્તાર નજીકના સાયબર કાફેમાંથી ઈ-પાસ લીધા છે. મુસાફરોએ દાવો કર્યો છે કે તેમને ખબર નહોતી કે ઈ-પાસ નકલી છે. દેવસ્થાનમ બોર્ડ દ્વારા ચારધામમાં દૈનિક ધોરણે નક્કી કરેલા નંબરના આધારે ઈ-પાસ જારી કરવામાં આવશે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નકલી ઈ-પાસ તૈયાર કરનારા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.