મહેસાણા: રાજ્યમાં ખાદ્ય-ચીજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. મહેસાણા જિલ્લાના ઊંઝા વિસ્તારમાં અગાઉ પણ નરલી જીરૂ અને વરિયાળી બનાવતા એકમો પકડાયા હતા. ફુડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ સતત નજર રાખી રહ્યા છે ત્યારે ઊંઝા નજીક વરિયાળીમાં ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું હતું. ફુડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ અખાદ્ય લીલો કલર અને 12 ટન જેટલો વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો હતો. અને વરિયાળીના નમુના પૃથકરણ માટે મોકલી દેવાયા છે. તેના રિપોર્ટ બાદ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે
ફુડ અને ડ્રગ્સ વિભાગની મહેસાણા વર્તુળ કચેરીને ઊંઝા તાલુકામાં એસ. એલોન ની પાછળ, હાઈ વે રોડ પર આવેલી એક પેઢીમાં ભેળસેળવાળી વરિયાળી બનાવતી હોવાની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરી અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ દરોડા પાડવામાં આવ્યો હતો. પેઢીમાં હાજર વ્યક્તિએ પોતે પેઢીના માલિક હોવાનું જણાવતાં તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં પેઢીમાં જોવા મળેલો અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ 2 (બે) નમુના, 1) વરિયાળી (લુઝ) અને 2) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ કરવામાં આવતા ભેળસેળ હોવાના પુરાવા મળ્યા હતા. પેઢીમાંથી મળી આવેલો આશરે 12 ટન જથ્થો કે જેની કિંમત રૂ. 12 લાખથી વધુ થવા જાય છે, તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. વરિયાળીના નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ નમુનાના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.