અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય ખાતર નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ ખાતરનો પુરતો જથ્થો હોવાનો સરકાર દાવો કરી રહી છે. દરમિયાન મહેસાણામાં ખેડૂતો સાથે ઠગાઈ આચરવા માટે બનાવટી ખાતર પધરાવવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠી હતી. બીજી તરફ પોલીસે સંમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરતા મહેસાણાના નંદાસણમાં નકલી યુરિયા ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે ચોક્કસ બાતમીના આધારે નંદાસણમાં આવેલી એક ફેક્ટરીમાં છાપો માર્યો હતો. પોલીસની તપાસમાં ફેક્ટરીમાં નકલી યુરિયા ખાતર બનાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. અહીં ખાતરમાં સોડિયમ કાર્બોનેટ મિશ્રિત કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 556 થેલી રાસાયણિક નિમકોટેડ યુરિયા કબજે લેવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને નકલી ખાતરના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવયાત શરૂ કરવામાં આવી હતી.