Site icon Revoi.in

નકલી ઘીનો કારોબાર, ગલુદણ ગામમાં 5.26 લાખનું ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં શુધ્ધ ઘીના નામે નકલી ઘી વેચવાનો કાળો કારોબર ચાલી રહ્યો છે, છેલ્લા એક સપ્તાહથી નકલી ઘી પકડવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. હજુ ગઈકાલે જ ડીસામાં નકલી ઘી વેચવાનો કારોબાર પકડાયો હતો. ત્યાં આજે ગાંધીનગરના ગલુદણમાં શંકાસ્પદ 822 કિલો ઘીનો જથ્થો પકડાતા તંત્ર દ્વારા જપ્ત કરીને તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ડુપ્લીકેટ અને ભેળસેળયુક્ત ઘી વેચનારા સામે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીની ટીમો સક્રિય બની છે. રૂપાલની પલ્લી વખતથી ગાંધીનગર જિલ્લામાં ઘીના સેમ્પલ લઇને ચકાસવામાં આવી રહ્યા છે. દરમિયાનમાં ગાંધીનગર જિલ્લાના ગલુદણ ગામમાં ત્રણ પેઢી પર દરોડા પાડીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ડુપ્લીકેટ કે શંકાસ્પદ જણાયેલા 5.26 લાખની કિંમતનો 822 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગલુદણ ગામમાં ચાલતી ઘી વેચતી ત્રણ પેઢી દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનુ સંગ્રહ અને વેચાણ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. જે દરમિયાન ત્યાં રાખવામાં આવેલો ઘીનો જથ્થો શંકાસ્પદ જણાતાં લુઝ ઘીના ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણેય કંપનીમાંથી કુલ 822 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત 5.26 લાખ જેટલી થવા જાય છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળવાળા અને બિન- આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો લેબોરેટરી રીપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.