સુરતમાં નકલી જનસુવિધા કેન્દ્ર પકડાયું, માગો તે સરકારી ફેક દસ્તાવેજો બનાવી અપાતા હતા
સુરતઃ ગુજરાતમાં નકલી ચિજવસ્તુઓ, નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ રહી છે. જેમાં નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓની તો બોલબાલા છે. જ્યારે પીએમઓ, સીએમઓ, આઈટી, અને પોલીસના સ્વાંગમાં નકલી અધિકારીઓ અગાઉ પકડાયા હતા. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. પુણાના મામલતદાર અને કાપોદ્રા પોલીસે રેડ પાડીને નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનાર એક આરોપીની ધરપકડ પણ કરી છે.અને કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત નકલી આધાર પુરાવાઓ જપ્ત કર્યા હતા.
સુરત શહેર ડુપ્લિકેટ માટે એપી સેન્ટર હોય એવું તેમ છેલ્લા ચાર દિવસમાં નકલી ડોક્ટર, નકલી પનીર, નકલી ઘી, નકલી જુદી જુદી યુનિવર્સિટીની બોગસ માર્કશીટનું કૌભાંડ પકડાયા બાદ સરકારી આધાર પુરાવા બનાવી આપતુ નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતું જન સુવિધા કેન્દ્ર પર પુણાના મામલતદાર અને કાપોદ્રા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યું હતું. પોલીસે નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનારા એક આરોપીની ધરપકડ પણ કરી છે. કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત નકલી આધાર પુરાવાઓ જપ્ત કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણચોક ખાતે ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું. નિકુંજ દૂધાત નામની વ્યક્તિ દ્વારા આ જન સુવિધા કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી રહ્યું હતું. આ જન સુવિધા કેન્દ્ર પરથી આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા સહિત સરકારની જુદી જુદી યોજનાઓના દસ્તાવેજો બનાવી આપવામાં આવતા હતા. આ જન સુવિધા કેન્દ્ર આખેઆખું બોગસ હોવાનું સામે આવ્યું છે. જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે સરકાર પાસેથી કોઈપણ પ્રકારનું લાઇસન્સ મેળવ્યા વગર ચલાવવામાં આવતું હતું. આ અંગેની જાણ પુણાના મામલતદારને થઈ હતી, જેથી મામલતદાર દ્વારા આ પ્રકારના જન સુવિધા કેન્દ્ર અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની સાથે રહી મામલતદારની ટીમે રેડ પાડીને નકલી જન સુવિધા કેન્દ્રને ઝડપી પાડ્યું હતું.
એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે આરોપી નરેશ દૂધાત લોકો પાસેથી પૈસા મેળવી ડુપ્લિકેટ આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા સહિતના દસ્તાવેજો બનાવી આપતો હતો. તેની ઓફિસે રેડ કરતાં તેના કોમ્પ્યુટરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે તેના કોમ્પ્યુટર અને લેપટોપમાં આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ જેવા સરકારી દસ્તાવેજોના વર્ડ ફાઇલમાં ડુપ્લિકેટ ફરમો તૈયાર કરાયા હતા, જેના આધારે તે આવનારા લોકોના નકલી દસ્તાવેજો બનાવી આપતો હતો. એટલું જ નહીં, તે ડુપ્લિકેટ લાઈટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવી આપતો હતો. પોલીસને તેની ઓફિસમાંથી ઢગલાબંધ નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા હતા.