સુરતઃ દેશની વિવિધ યુનિવર્સિટીઓના ડુપ્લીકેટ માર્કશીટ અને ફેક ડિગ્રીઓનું આંતરરાજ્ય કૌભાંડ સુરત પોલીસે પકડી પાડ્યુ છે. અગાઉ એજન્ટ સહિત અડધો ડઝન શખસોને દબોચી લેવાયા બાદ દિલ્હીના હરિયાણાથી વધુ એક આરોપીને 60 જેટલા બોગસ સર્ટીફિકેટ અને ફેક ડિગ્રીઓ સાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ કૌંભાડમાં દેશની અનેક યુનિવર્સિટીઓ પણ સંડોવાયાની પોલીસને શંકા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
સુરત પોલીસે શહેરના સિંગણપોર વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી કૌભાંડનો પડદાફાશ કર્યો હતો. અને મુખ્ય આરોપીને દિલ્હીથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ કૌભાંડમાં અડધો ડઝન શખશોને ઝડપી લેવાયા બાદ વધુ એક આરોપીની પોલીસે દિલ્હીના હરિયાણા ખાતેથી ધરપકડ કરી છે. બોગસ માર્કશીટનું કૌભાંડ એક સુનિયોજિત આરોપીઓની મદદગરીથી ચાલતુ હતુ. જેમાં અલગ-અલગ એજન્ટોની ભૂમિકા રહેલી છે. ત્યારે આ કૌભાંડમાં પોલીસ તપાસમાં દિલ્હીના હરિયાણા ખાતે રહેતા રાહુલ સૈની નામના ઇસમનું નામ સામે આવતા તેની ધરપકડ કરવા માટે પોલીસે ટીમ દિલ્હી રવાના કરવામાં આવી હતી. જ્યાથી રાહુલ સૈની નામના આ શખસને ઝડપી પાડવામાં સિંગણપોર પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે આરોપીના ઘરમાં સર્ચ કરતા 60 જેટલી અલગ-અલગ ડિગ્રીઓ અને માર્કશીટ મળી આવી છે. જેમાં 47 નામ જોગ અને અન્ય 13 જેટલી નકલી માર્કશીટ તેમજ સર્ટિફિકેટ નામ વિનાના મળી આવ્યા છે. હાલ તો પોલીસે આરોપીની ધરકપડ કરી સુરત કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીનો આ મુખ્ય સુત્રધાર હતો.
પોલીસને પ્રાથમિક તપાસમાં એવી હકિક્ત જાણવા મળી છે. કે, જુદી જુદી યુનિવર્સિટીઓના ફેક સર્ટીના કારોબારમાં અલગ-અલગ રાજ્યમાં એજન્ટો પણ કામ કરી રહ્યા છે. જેમ ગુજરાતમાં નિલેશ સાવલિયા એજન્ટ તરીકે કામ કરતો હતો આરોપી રાહુલ સૈની અને અન્ય આરોપીઓ હરિયાણા અને દિલ્હી ખાતે રહે છે. જે શખસો લોકો પાસેથી રૂપિયા લઈને માંગે તે યુનિવર્સિટીઓના બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવી આપતા હતા.
બોગસ ડિગ્રી અને નકલી માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધારોના કેટલાક સાગરીતો યુનિવર્સિટીમાં બેઠેલા છે. જે ટાઉટોના માધ્યમ દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ સહિત નકલી માર્કશીટ અન્યોને આપવામાં આવતી હતી. એટલું જ નહીં, પરંતુ અન્ય કોઈ એજન્સી અથવા ફોરેનની યુનિવર્સિટી આવી બોગસ ડિગ્રીઓ અથવા તો સર્ટિફિકેટનું વેરીફિકેશન કરે ત્યારે આ યુનિવર્સિટીઓ દ્વારા તેને ઓથોરાઈઝ તરીકે જાહેર કરી આપવામાં આવતી હતી. આ ખૂબ જ મોટું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હોવાનું કહેવાય છે.