Site icon Revoi.in

સુરતમાં નકલી નોટ્સનું રેકેટ, પોલીસે 316 કરોડથી વધુની ફેક કરન્સી પકડી, 6 શખસોની ધરપકડ

Social Share

સુરતઃ ગુજરાતમાં ફેક નોટ્સના કારોબારનો પોલીસે પડદાફાશ કર્યો છે. સુરત જિલ્લા કામરેજ પોલીસે પહેલાં અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાંથી ડુપ્લિકેટ નોટ્સ ઝડપી હતી. ત્યારે આરોપીઓના 25 કરોડના નકલી નોટોના કૌભાંડને પોલીસે પડદાફાશ કર્યો હતો. ત્યાર બાદ મંગળવારે  ફરી ચલણી નોટના મામલે નવો ઘટસ્ફોટ કરાયો હતો.. જેમાં 52 કરોડથી વધુની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 6 લોકોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે અલગ અલગ જગ્યા પરથી 316 કરોડ 98 લાખની નકલી નોટ કબજે કરી છે.

સુરત જિલ્લાની કામરેજ પોલીસે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી મુંબઈ જતા રોડ પર પારડી ગામ પાસે 25 કરોડની ડુપ્લિકેટ નોટો પકડાઈ હતી. આ નકલી નોટ મામલે વધુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. આ નકલી નોટનો રેલો માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ અને હવે દિલ્હી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી સમગ્ર મામલાના માસ્ટર મઇન્ડ વિકાસ જૈન સહિત છ લોકોને ઝડપી લીધા હતા.અને પોલીસે આશરે 316 કરોડ રૂપિયાની નકલી નોટ કબજે કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત 29મીના રોજ કામરેજના નવી પારડી ખાતેથી પોલીસે જામનગરના એક ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી કરોડોની ફેક ચલણી નોટો ઝડપી પાડી હતી. જે સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સના ચાલક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી. સમગ્ર મામલે તપાસ દરમિયાન આ બનાવટી નોટોના રેકેટે મુંબઈ તરફ વળાંક લીધો હતો અને મુંબઈ ખાતે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈનનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. મુંબઇની વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન અને સાથી આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેઓ જે તે વ્યક્તિ સાથે ડીલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઇ લેતા હતા, સાથે રાજકોટના એક વેપારી સાથે એક કરોડથી વધુની ઠગાઈ કર્યાનું પણ બહાર આવ્યું છે. સમગ્ર રેકેટમાં જ્યારે પહેલીવાર નોટો પકડાઈ ત્યારે તેઓ ફિલ્મોના શૂટિંગ માટે વાપરતા હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરી હતી. જોકે તાપસ દરમિયાન આ રેલો મુંબઇ પહોંચ્યો હતો અને વી.આર લોજિસ્ટિક કંપનીનો મલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેઓ ટ્રસ્ટનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નોટો અસલી તરીકે બતાવી બુકિંગના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મુખ્ય સૂત્રધાર વિકાસ જૈને ગુજરાત જ નહીં પરંતુ મુંબઇ, દિલ્હી તેમજ બેંગ્લોર સહિત મહાનગરોમાં નેટવર્ક ઊભું કર્યું હતું. તમામ સ્થળોએ મોંઘીદાટ ઓફિસો બનાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટમાં દાન આપતા હોય તેમજ કોઈ જગ્યાએ નાણાંનું રોકાણ કરતા હોય એવી વ્યક્તિઓ 50 ટકા રકમ કેશમાં પણ જોવા માંગતા, તો તેઓને આ આરોપીઓ વીડિયો કોલના મારફતે બનાવટી નોટો બતાવી વિશ્વાસમાં લેતા હતા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસની સાથે બેંકર્સ તેમજ આર.બી.આઈની ટીમ પણ સતત તપાસનું મોનિટરિંગ કરી રહી છે. પકડાયેલા આરોપીઓનાં નામ (1) હિતેષ પરસોત્તમ કોટળિયા (2) દિનેશ લાલજી પોશિયા (3) વિપુલ હરીશ પટેલ (4) વિકાસ પદમચંદ જૈન (5) દિનાનાથ રામનિવાર યાદવ (6) અનુષ વિરનચી શર્મા હોવાનું જાણવા મળ્યું છે.