અમદાવાદઃ શહેરમાં ફરીવાર નકલી પોલીસનો ત્રાસ વધતો જાય છે. પોલીસનો સ્વાંગ પહેરીને કે પોતે પોલીસ હોવાની ઓળખ આપીને લોકોને ડર બતાવીને લૂંટી લેવાના બનાવો બની રહ્યા છે.શહેરના પૂર્વ વિસ્તારમાં રિક્ષામાં જતી મહિલાને એક યુવકે પોતે પોલીસ હોવાની ઓળખ આપીને રિક્ષા અટકાવી તેને નીચે ઉતારી હતી. યુવકે માહિલાને લાફા મારીને મહિલાએ પહેરેલા સોનાના દાગીના ઉતરાવ્યા હતા.દાગીના યુવકે સાથે લઈ જઈ પોલીસ સ્ટેશનમાં આવી લઈ જવાનું કહ્યું હતું. ત્યાર બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે,શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી મહિલા પગ લુછણિયા બનાવવાનું કામ કરે છે. બપોરે 3 વાગે મહિલા રબારી કોલોની પાસેથી રિક્ષામાં બેઠી હતી અને અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર મહિલાને ઉતારવાનું હતું. તે પહેલાં રિક્ષા પાછળ એક બાઇક ચાલક આવ્યો હતો. તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આ યુવક મહિલાને રિક્ષામાંથી ઉતારીને બાજુ પર લઇ ગયો અને મહિલાએ પહેરેલી બુટ્ટી બતાવવા કહ્યું મહિલાએ ના પાડતા યુવકે 2 લાફા મારી દીધા હતાં. મહિલાએ તરત જ એક બુટ્ટી અને બુટ્ટીની સેર આપી દીધી હતી, ત્યાર બાદ યુવકે બીજી કાનની બુટ્ટી આપવા કહ્યું મહિલાએ મારના ડરથી બીજી બુટ્ટી અને સેર પણ આપી દીધી હતી. બાદ યુવકે મહિલાને કહ્યું કે તમે જ્યાં કામ કરો છો તે જગ્યા બતાવો અને બુટ્ટી તથા સેર પોલીસ સ્ટેશનથી લઈ જજો. મહિલા રિક્ષામાં બેસીને તેમના કામ કરવાની જગ્યા પર બાઇક ચાલકને લઇ જતા હતી. થોડે સુધી બાઇક ચાલક પાછળ આવતો દેખાતો હતો બાદમાં ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.મહિલાએ આ અંગે કામ કરવાની જગ્યા પર જઈને અન્ય લોકો સાથે વાત કરી ત્યારે આ યુવક પોલીસના નામે મહિલાના દાગીના લઈને ફરાર થઇ ગયો હોવાની મહિલાને જાણ થઈ હતી. જેથી મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.(file photo)