મોરબીઃ બામણબોર-કચ્છ હાઈવે પર વાંકાનેરના વઘાસિયા પ્લાઝા નજીક ફેક ટોલ બુથ પકડાતા પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે. હાઈવે પર મુખ્ય ટોલનાંકાથી દોઢ કિલોમીટર દૂર ગેરકાયદે રસ્તો બનાવ્યો હતો. જ્યાંથી વાહનચાલકો પસાર થતાં હતા. ગેરકાયદે રસ્તા અને નકલી ટોલનાકું બનાવીને વાહનચાલકો પાસેથી ટોલ લેવામાં આવતો હતો. ઘણા સમયથી ફેક ટોલ નાકું ચાલતું હોવા છતાંયે સરકારી તંત્રને ધ્યાને કેમ ન આવ્યુ ? તે મોટા પ્રશ્ન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક લોકોએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું હતુ. વાહનચાલકો પાસેથી ટોલનાકા કરતા અડધા ભાવે ઉઘરાણું કરતા હતા. ગેરકાયદે ટોલનાકા કાંડમાં વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી અમરશી પટેલ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર છે. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ પ્રાંત અધિકારી અને ડીવાયએસપીની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પાંચ શખ્શો સામે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબીનાં વાંકાનેર તાલુકામાં બોગસ ટોલનાકાના મામલે પોલીસ દ્વારા ટોલનાકાનાં કર્મચારી પાસેથી સમગ્ર માહિતી મેળવી આવી છે. જેમાં એક બે નહીં, 3 જગ્યાએ ગેરકાયદેસર ટોલનાકા ચાલતા હોવાનું જાણવા મળ્યુ છે. કહેવાય છે. કે, વઘાસીયા ટોલનાકાની પર દૈનિક આવક 15 લાખથી વધુ છે અને દોઢ વર્ષમાં 82 કરોડ રૂપિયાની ગેરકાયદે વસૂલી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કહેવાય છે. કે, ફેક ટોલ નાકાના મુદ્દે અગાઉ ચારથી પાંચ વખત પોલીસ, અને લાગતા વળગતા તંત્રને રજુઆતો કરવા છતાંયે કોઈ પગલા લેવામાં આવ્યા નહતા. નેશનલ હાઈવે ઓથોરિટીના ટોલનાંકાની નજીક ગેરકાયદે ટોલનાકુ ધમધમતું હતું. ટોલનાકુ બાયપાસ કરીને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી થતા હતા.
ગુજરાતમાં નકલી સરકારી અધિકારીઓ અને નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું ઝડપાતા તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે. નકલી ટોલનાકા પર છેલ્લા દોઢ વર્ષથી રોજ 15 લાખ રૂપિયાની કાળી કમાણી થતી હતી. તેમ છતાં કોઈ ફરિયાદી બનવા તૈયાર નથી. આખરે પોલીસ જ ફરિયાદી બની છે. (પ્રતિકાત્મક તસવીર)