વડોદરામાં આર્થિક સંકડામણને કારણે પરિવારનો સામુહિક આપઘાત
અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરામાં એક પરિવારના સામુહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના રાવપુરા વિસ્તારના એક પરિવારના સભ્યોએ અંતિમ પગલુ ભર્યું હતું. જેમાં માતા-પુત્રનું મોત થયું હતું. જ્યારે પિતાની હાલ સારવાર ચાલી રહી છે. પરિવારના મોભીએ ગળાના ભાગે રેઝર માર્યું હતું. જ્યારે તેમની પત્નીએ ઝેરી દવા ગટગટાવી તથા પુત્રએ ગળોફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. પોલીસને ઘટના સ્થળ પર ઉપરથી અંતિમચિઠ્ઠી મળી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં રહેતા મુકેશ પંચાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન મુકેશભાઈએ પોતાના ગળાના ભાગે રેઝર મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમની પત્ની નયનાબેને ઝેરી દવા પી તથા પુત્ર મિતુલે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસને ઘરમાંથી પંચાલ પરિવારની સ્યુસાઈટ નોટ મળી આવી હતી. બીજી તરફ મુકેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.
પંચાલ પરિવારમાં રાવપુરા વિસ્તારમાં ભાડે રહેતો હતો. દરમિયાન મકાન માલિકે પંચાલ પરિવાર જે મકાનમાં રહેતું હતું તે મકાનનું વેચાણ કર્યું હતું. નવા મકાન માલિકે પંચાલ પરિવારને મકાન ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો અને આજે તેમણે મકાન ખાલી કરવાનું હતું. મકાન ખાલી કરવા અને મકાનની ચિંતામાં પરિવારે અંતિમ પગલુ ભર્યાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.