Site icon Revoi.in

સયાજી હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો માટે કાલથી વિશ્રામ સદનમાં રહેવાની સુવિધા મળશે

Social Share

વડોદરાઃ  શહેરની  સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો માટે રહેવાની પડતી મુશ્કેલીનો આવતી કાલ તા.17મીને સોમવારથી અંત આવશે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા CSR ફંડ હેઠળ રૂપિયા 24 કરોડના ખર્ચે બનાવી આપવામાં આવેલા “વિશ્રામ સદનનું કાલે સોમવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. દર્દીઓના સગાને રહેવા માટેની સુવિધા મળી રહેશે.

વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય  છે. માત્ર વડોદરા શહેર-જિલ્લો જ નહીં પણ ઉત્તર-પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દીવ-દમણમાંથી દરરોજ  પાંચ હજારથી વધારે દર્દીઓ સારવાર માટે સયાજી હોસ્પિટલ આવે છે. દર્દીઓના પરિવારજનો માટે રહેવા-જમવા માટે આમ તો અહીં ઈન્દુમતી ઠાકોરભાઈ પટેલ વિશ્રામ ગૃહ તો છે જ પરંતુ સોમવારથી એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ માટે એક નવી સુવિધાનો પ્રારંભ થશે.

સયાજી હોસ્પિટલના કેમ્પસમાં જ અંદાજિત 24 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત “વિશ્રામ સદન”નું  આવતા કાલે તા. 17 એપ્રિલને સોમવારના રોજ કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. કે. સિંઘ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પણ વર્ચ્યુઅલ હાજરી આપશે. તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરાની  સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો રહી શકે એ માટે પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા CSR હેઠળ અંદાજિત રૂપિયા 24 કરોડના ખર્ચે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સૌથી મોટું ‘વિશ્રામ સદન’ બનાવવામાં આવ્યું છે. છ માળની આ બિલ્ડિંગમાં 235 લોકો રહી શકે એવા 55 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર એક VIP રૂમ પણ બનાવાવમાં આવ્યો છે. જ્યારે બાકીના રૂમ ડોરમેટ્રી કેટેગરીના છે. જેનો લાભ સોમવારથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગાઓને મળતો થઈ જશે. આ “વિશ્રામ સદન”ના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે દીપક ફાઉન્ડેશન સાથે MOU કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે 66 માણસો જમી શકે તેવો સરસ ડાઈનિંગ હોલ છે. દરેક ફ્લોર પર 1 VIP રૂમ છે, જેમાં બે બેડ સાથે સોફા પણ છે. જ્યારે ડોરમેટ્રી કેટેગરીની એક રૂમમાં 4 બેડ છે, જેમાં લોકર, કબાટ તેમજ બાલ્કની સહિતની સુવિધા પણ છે. પ્રત્યેક માળમાં સ્ત્રી-પુરૂષ ઉપરાંત દિવ્યાંગો માટે પણ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. શુદ્ધ પાણી માટે આર.ઓ. સાથે વોટર કૂલર, લોકર, લોન્ડ્રી, રિસેપ્શન સેન્ટર, અદ્યતન ફાયર સેફ્ટી, લિફ્ટ, જનરેટર, સર્વિસ કાઉન્ટર, હેલ્પ ડેસ્ક, 24 કલાક સુરક્ષા માટે કેબિન તેમજ દરેક માળ પર ડિજિટલ સાઈન બોર્ડ સહિતની અનેક સુવિધાઓથી વિશ્રામ સદન સજ્જ છે.