Site icon Revoi.in

અમેરિકા-કેનેડા બોર્ડર: ઠંડીમાં ઠુઠવાતા 2 બાળકો સહિત 4ના મોત, પરિવાર મહેસાણાનો હોવાનું ખૂલ્યું

Social Share

નવી દિલ્હીઃ યુએસ-કેનેડા બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં, એક ભારતીય પરિવારના બે બાળકો સહિત ચાર વ્યક્તિઓના હિમપ્રપાતમાં ફસાઈ જવાથી મોત થયા હતા. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ જણાવ્યું હતું કે, એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદની કેનેડિયન બાજુએ બે પુખ્ત, એક કિશોર અને એક શિશુ સહિત ચાર મૃતદેહ મળી આવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએસ-કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના ઠંડીથી મૃત્યુ થયાના મોતની ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો, તેમજ યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. સત્તાવાળાઓ માને છે કે ઉક્ત પરિવાર જ્યારે હિમવર્ષામાંથી પસાર થવાનો અસફળ પ્રયાસ કર્યો ત્યારે ભારે ઠંડીનો ભોગ બન્યો હતો. આ પરિવાર ગુજરાતના મહેસાણાના હોવાનું જાણવા મળે છે.

જયશંકરે ટ્વીટ કર્યું હતું કે, “કેનેડા-યુએસ બોર્ડર પર એક શિશુ સહિત ચાર ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા તે જાણીને આઘાત લાગ્યો. યુએસ અને કેનેડામાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.” જયશંકરે યુએસમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયા સાથે વાત કરી.

રાજદૂત સંધુએ કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે યુએસ અધિકારીઓ સાથે તેમની ચાલી રહેલી તપાસ અંગે સંપર્કમાં છીએ. શિકાગોની કોન્સ્યુલર ટીમ સંકલન કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે આજે મિનેસોટા જઈ રહી છે.” કેનેડામાં ભારતના હાઈ કમિશનર બિસારિયાએ કહ્યું કે આ એક ગંભીર દુર્ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારતીય કોન્સ્યુલર ટીમ સંકલન અને સહાય માટે આજે ટોરોન્ટોથી મેનિટોબા પ્રવાસ કરી રહી છે. “અમે કેનેડિયન સત્તાવાળાઓ સાથે આ વિચલિત ઘટનાઓની તપાસ કરવા માટે કામ કરીશું.” અમેરિકા-કેનેડા બોર્ડર ઉપર મૃત્યુ પામેલો પરિવાર ગુજરાતનો હોવાનું જાણવા મળે છે. મતૃકોમાં મહેસાણાના તેજસ પટેલ, તેમની પત્ની લ્કાબેન અને 12 વર્ષની દીકરી તથા 3 વર્ષનો દીકરાનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. કેનેડા-યુએસ બોર્ડર પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી ચાર લોકો થીજી જતા મોત નીપજ્યું છે.