જાણીતા ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલજીનું નિધન
ગોરખપુરઃ ગોરખપુરના ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 1950માં ગીતા પ્રેસ ટ્રસ્ટમાં જોડાયા હતા. શહેરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગર ખાતે રાત્રે 90 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમનું ટ્રસ્ટી તરીકે સન્માન કર્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે (28 ઓક્ટોબર) બૈજનાથ અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, “ગીતા પ્રેસ, ગોરખપુરના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલજીનું નિધન અત્યંત દુઃખદ છે. છેલ્લા 40 વર્ષથી ગીતા પ્રેસના ટ્રસ્ટી તરીકે, બૈજનાથજીનું જીવન સામાજિક જાગૃતિ અને માનવ કલ્યાણ માટે સમર્પિત છે. તેમના નિધનથી સમાજને અપુરતી ખોટ પડી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમગ્ર ગીતા પ્રેસ પરિવારને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ આપે.”
ગીતા પ્રેસને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વર્ષ 2021 માં ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ગીતા પ્રેસ વિશ્વની એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ છે, જે માત્ર એક સંસ્થા નથી પરંતુ એક જીવંત વિશ્વાસ છે. ગીતા પ્રેસનું કાર્યાલય કરોડો લોકો માટે મંદિરથી ઓછું નથી.”
ગીતા પ્રેસની શરૂઆત 1923માં થઈ હતી. તેના સ્થાપક મહાન ગીતા ગુણગ્રાહક જયદયાલ ગોયંદકાજી હતા. તે વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંનું એક છે, જેણે શ્રીમદ ભગવદ્ ગીતાની 16.21 કરોડ નકલો સહિત 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથજીના નિધનને પગલે અનેક મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ પણ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.