રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં આ વખતે ખેડુતોને કૃષિ ઉપજના સારા ભાવ મળી રહ્યા છે. જો કે ખેડુતો અને ગ્રાહકોને એક સાથે ખૂશ રાખવા અઘરા છે. જો ખેડુતોને વધુ ભાવ મળે તો ગ્રાહકોને તે ભાવ પરવડતા નથી. એટલે મોંઘવારીની બૂમો પડતી હોય છે. આવક અને માગ પર બજારોની રૂખ નક્કી થતી હોય છે. હાલ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ તેના ભાવમાં વધારો થઇ રહ્યો છે. હાલ નિકાસ પર પ્રતિબંધ હજુ યથાવત્ જ છે. ઘઉંમાં ભાવવધારા બાદ લોકો પર બીજો ભાવ વધારાનો આર્થિક ડામ લાગ્યો છે. આ વખતે જુવાર, બાજરીના ભાવમાં પણ વધારો થયો છે. હાલ રાજકોટના બેડી યાર્ડમાં ઘઉં કરતા સફેદ જુવાર મોંઘી થઇ છે, તો બાજરીનો ભાવ પણ ઘઉંની લગોલગ છે. જેને કારણે લોકોને શું ખાવું તે પ્રશ્ન થઇ પડ્યો છે. જુવાર અને બાજરીમાં ડિમાન્ડ વધવાને કારણે ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના બેડી યાર્ડમાં ઘઉં લોકવન અને ટુકડા બન્નેની આવક થઈ રહી છે. શનિવારે લોકવન ઘઉંની આવક 900 ક્વિન્ટલ થઇ હતી. જેનો ભાવ રૂ.423થી 470 સુધી બોલાયો હતો. સૌથી વધુ આવક ટુકડા ઘઉંની 4100 ક્વિન્ટલ હતી. જેનો ભાવ રૂ.582 થયો હતો. તો પીળી જુવાર અને સફેદ જુવારમાં સૌથી વધારે આવક સફેદ જુવારની 100 ક્વિન્ટલ હતી. સફેદ જુવારનો ભાવ રૂ. 750થી પ્રતિ મણ શરૂ થયો હતો. જ્યારે આજે સોમવારે પણ ઘઉં, જુવાર અને બાજરીની આવક સારી રહી હતી. વેપારીઓના કહેવા મુજબ જુવાર અને બાજરીની માગમાં ખાસ તો કોરોનાકાળ બાદ વધારો થયો છે. જોકે ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો થયો હતો. તેના લીધે ડિમાન્ડ વધારે છે. અત્યારે યાર્ડમાં જે આવક થાય છે તેનો રોજે-રોજ નિકાલ થઇ જાય છે. બેડી યાર્ડ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં બાજરી, જુવારની આવક થાય છે તેને બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે. આ ભાવ હજુ જળવાયેલા રહશે એવું લાગી રહ્યું છે.
ખેડુતોના કહેવા મુજબ આ વખતે ફેબ્રુઆરી, માર્ચમાં માવઠું પડવાના કારણે પાકનું ચિત્ર બદલાઈ ગયું છે. ઘઉં, તલ, જીરું સહિતના પાકમાં સૌરાષ્ટ્રભરમાં નુકસાની ગઇ છે. આ વખતે જીરુંનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો છે. સામે આવક ઓછી છે. જ્યારે વેપારીઓના કહેવા મુજબ બીજા દેશમાં પાક નિષ્ફળ જવાને કારણે હાલ સૌથી વધુ માંગ એક્સપોર્ટમાં થાય છે. ફેબ્રુઆરી, માર્ચની સરખામણીએ જીરુંની આવકમાં અત્યારે ઘટાડો નોંધાયો છે. જેને કારણે યાર્ડમાં જે જીરું ઉતારવામાં આવે છે તેમાં પૂરતી સુરક્ષા રાખવામાં આવી રહી છે. (file photo)