Site icon Revoi.in

મહેસાણા જિલ્લાના ખેરાલુના ચાણસોલ ગામની સીમમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

Social Share

મહેસાણા:  ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે.  દરમિયાન મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે વીજળી પડતાં ખેડૂતનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા ખેડૂત ઢળી પડ્યા હતા. મૃતક ખેડૂતની ઓળખ 36 વર્ષીય અરવિંદ તરીકે થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે વીજળી પડવાની આ ત્રીજી ઘટના  છે. જેમાં અત્યાર સુધી કુલ ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે, આજે ખેરાલુના ચાણસોલ ગામે બનેલી ઘટના બાદ મૃતકના પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિસનગરના ગણપતપુરા ગામમાં ઓગસ્ટના અંતે વીજળી પડતા બે લોકોના મોત થયા હતા. જેમાં એક યુવતી અને એક યુવકનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોચલી એમ્બ્યુલન્સે બંને મૃતદેહને મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. ખેતર ઘર બનાવીને રહેતા યુવક અને યુવતી પર વીજળી પડતા કરૂણ મોત નીપજ્યું હતું. જેના પગલે આખા ગામમાં માતમ છવાયો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર 10 દિવસ પહેલા મહેસાણાના પાસે આવેલા છઠિયારડા ગામે છત પર વીજળી પડતા ધરાશાયી થઈ હતી. જેમાં નીચે બેસેલી મહિલાનું મોત નીપજ્યું હતું. છઠીયારડા ગામમાં આવેલા લક્ષ્મીનગર સોસાયટીમાંમાં રહેતી 32 વર્ષીય શીતલ નામની મહિલા એક ઘરની બહાર છત નીચે બેઠી હતી. ત્યારે બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ છત પર વીજળી પડતા કાટમાળ તૂટીને નીચે બેસેલી મહિલા પર પડતા તેંનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.