દિલ્હીઃ નવા કૃષિ કાનૂનના વિરોધમાં સિંધુ અને ટીકરી બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર આજે ભારે હંગામો થયો હતો. સિંધુ બોર્ડર પર વિરોધ કરનારા ખેડૂતોને હટાવવાની માંગણી સાથે સ્થાનિકોએ સુત્રોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન કાંકરીચાળો થયો હોવાનું જાણવા મળે છે. પોલીસે ગ્રામીણોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે, પોતાની માંગણી ઉપર અડગ રહ્યાં હતા. જે બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટીયરગેસના સેલ છોડ્યાં હતા. આ ઘર્ષણમાં પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. તોફાનીઓએ તલવાર વડે પણ હુમલો કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક હોવાનો દાવો કરતા 150 થી વધુ લોકોના જૂથે સિંઘુ સરહદની જગ્યા પર સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો હતો અને ટૂંક સમયમાં જ સિંઘુ બોર્ડરને ખાલી કરાવવાની માંગ કરી હતી. ત્રિરંગાનું અપમાન મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જગ્યા ખાલી કરવા માટે સૂત્રોચ્ચાર કર્યાં હતા. સ્થાનિકોના વિરોધને પગલે હરિયાણા સીમા નજીક બેઠેલા લોકો પણ વિરોધમાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. તેમજ તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી.
પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે બળપ્રયોગ કર્યો હતો. બનાવસ્થળથી દિલ્હી સરહદના 3 કિમી વિસ્તારમાં પાંચ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને પગલે હરિયાણાથી દિલ્હીમાં પ્રવેશ કરવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. સિંધુ બોર્ડર ઉપર હંગામા બાદ ટીકરી બોર્ડર પર કેટલાક લોકો આંદોલનના વિરોધમાં પહોંચ્યાં હતા. ટીકરી બોર્ડર ઉપર પણ પોતોના સ્થાનિક ગણાવતા લોકોએ આંદોલનકારી ખેડૂતો સામે સુત્રોચ્ચાર કર્યા હતા.