દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. તેમજ સરકાર અને ખેડૂતો વચ્ચે અગાઉ બેઠક પણ મળી હતી જો કે, બેઠકમાં યોગ્ય નિર્ણય નહીં આવતા હવે ખેડૂતો આંદોલનને વધારે ઉગ્ર બનાવશે. તેમજ આવતીકાલથી હાઈવે જામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતો કૃષિ બિલના વિરોધમાં સોળેક દિવસથી દિલ્હી બોર્ડ ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. દેશભરમાંથી ખેડૂતો હવે આંદોલનમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન ખેડૂત યુનિયનો દ્રારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આવતીકાલે દિલ્હી આગ્રા અને દિલ્હી જયપુર હાઇવે જામ કરવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર બીજા હાઈવે પણ જામ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ તા. 8મી ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું. જો કે, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં બંધની નહીવત અસર જોવા મળી હતી. જેમાં સમગ્ર દેશમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ અનેક સેલિબ્રીટી પણ હવે ખેડૂતોના સમર્થનમાં આગળ આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર પણ ખેડૂત આગેવાન સાથે મીટીંગ કરીને નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે.