Site icon Revoi.in

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના મણના ભાવ 70 રૂપિયા ઉપજતા ખેડુતો નારાજ

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, ગત ચોમાસામાં સારા વરસાદને લીધે રવિ સીઝનમાં સિંચાઈની પુરતી સુવિધા મળી રહેતા અને સાનુકૂળ હવામાનને લીધે ગોહિલવાડ પંથકમાં લાલ ડુંગળીનું મબલખ ઉત્પાદ થયું છે. પરંતુ આ વખતે ખેડુતોને પુરતા ભાવ ન મળતા ખેડુતોની હાલત કફોડી બની છે. સરકારે ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ 45 એમ એમની નાની ડુંગળી ખરીદવામાં આવતા નથી. બીજીબાજુ મહુવા માર્કેટ યાર્ડમાં ખેડુતોને ડુંગળીના પ્રતિ 20 કિલોના માત્ર રૂપિયા 70 જ ઉપજી રહ્યા છે. તેને લીધે ખેડુતોમાં નારાજગી ઊભી થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર, અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરુ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના એક મણના 70 રૂપિયાથી લઈને વધુમાં વધુ 181 રૂપિયા સુધીના રહ્યાં હતાં.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 58531 કટ્ટાની આવક થઈ હતી. 20  કિલોના નીચા ભાવ 70 રૂપિયા અને ઉંચા ભાવ 181 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 84126 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 215 રહ્યાં હતાં અને ઊંચા ભાવ 511 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 2142 કટ્ટાની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ 404 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 800 રુપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 59057 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 450 રહ્યા હતા અને ઉંચા ભાવ 1750 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના 337 કટા ની આવક થઈ હતી જેના 20 કિલોના નીચા ભાવ 670 રહ્યા હતા અને ઊંચા ભાવ 1146 રૂપિયા સુધીના રહ્યા હતા. લાલ ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડુતોએ નારાજગી વ્યક્ત કરી હતી.(FILE PHOTO)