ડીસાઃ બનાસકાંઠાના ડીસા પંથકમાં બટાકાનું સારૂએવું ઉત્પાદ થાય છે. આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે બટાકાના ઉત્પાદન ઓછું થયુ છે. જેના કારણે બટાકાના ભાવ દસ વર્ષ બાદ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. ગત વર્ષ 100 આસપાસનો ભાવ હતો જ્યારે આ વર્ષે બટાકા 250થી 300 રૂપિયે મણના ભાવે વેચાય રહ્યા છે. ઘણા ખેડુતોએ બટાકાના હજુપણ ભાવ વધશે એવી આશાએ બટાકાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી દીધો છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા પંથકમાં 65,000થી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. ચાલુ વર્ષે ઠંડી બરાબર નહીં જામતા બટાકાનું ઉત્પાદન 15 ટકા જેટલું ઓછું થયું છે, પરંતુ તેની સામે ખેડૂતોને હાલમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. સતત નવેક વર્ષથી બટાકા કાઢવાની સીઝનમાં જ બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે. જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ નીચા ભાવમાં પણ બટાકા વેચવાની ફરજ પડતી હતી. જ્યારે આ વર્ષે બટાકામાં સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આ અંગે ડીસા માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસા માર્કેટયાર્ડમાં આ વર્ષે અત્યાર સુધીમાં 40થી 45 હજાર બટાકાની બોરીની આવક થઈ છે. ખેડૂતોને છેલ્લા સાત આઠ વર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ જ સારો ભાવ મળી રહ્યો છે. ડીસા માર્કેટમાં બટાકાના ભાવ 140થી 320 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા છે. જ્યારે એવરેજ ભાવ 200થી 300 રૂપિયા પ્રતિ મણ મળે છે. આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું હતું અને ઉત્પાદન પણ ઓછું થયું છે, પરંતુ ખૂબ જ સારા ભાવ મળતા ખેડૂતોને રાહત થઈ છે.
ખેડુતોના કહેવા મુજબ આ વખતે બટાકાનો ભાવ સારો મળી રહ્યો છે. ગત વર્ષે ખેડૂતોને થોડી તકલીફ પડી હતી, પરંતુ આ વખતે ભાવ 200થી 300 રૂપિયા ખેડૂતોને મળે છે. જો કે, વર્ષો વર્ષ મળે તેવું ઉત્પાદન આ વખતે નથી મળ્યું, કારણ કે આ વખતે વાદળછાયું વાતાવરણ હતું અને ઠંડી પણ જેવી જોઈએ તેવી પડી નથી એટલે પાકને અનુકૂળ વાતાવરણ ન રહેતા ઉત્પાદન ઓછું થયું છે, પરંતુ એવરેજ ઉત્પાદન સારું છે અને ભાવ પણ ખૂબ જ સારા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે.
યાર્ડના વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષે બટાકાના ભાવ 100 રૂપિયા પ્રતિ મણ હતા. જ્યારે હાલમાં ડીસા પંથકમાં ખેતરોમાંથી બટાકા 250થી લઈને 300 રૂપિયા પ્રતિ મણ સુધી મળી રહ્યા છે. જેથી કેટલાક ખેડૂતો હજુ ભાવમાં વધારાની આશાએ માલ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રહ્યા છે. વાવેતર વધુ હોવા છતાં ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ઉત્પાદન ઓછું થયું હતું. આમ ઉત્પાદન ઓછું થવાના કારણે બટાકાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભાવમાં તેજીથી ખેડૂતો હરખાઈ રહ્યા છે. આ જ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહેશે.