ખેડુતોને જાહેર માર્કેટમાં ખરીફ પાકના સારા ભાવ મળતા હોવાથી હવે ટેકાના ભાવે વેચવામાં રસ નથી
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાક મબલખ ઉત્પાદન થયું છે. ખેડુતોને જાહેર બજારમાં ખરીફ પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડુતો ટેકાના ભાવે સરકારને માલ વેચવામાં કોઈ રસ રહ્યો નથી. મગફળી, સોયાબીન અને મગ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવથી સરકારી ખરીદીનો આરંભ લાભપાંચમ અર્થાત શનિવારના દિવસથી કરી દેવાયો છે, પરંતુ ખેડૂતો ખુલ્લા બજારમાં પ્રાપ્ત થઇ રહેલા ભાવથી સંતુષ્ટ હોવાને લીધે સરકારી કેન્દ્રો પર માલ વેચાણ માટે કોઇ ખેડૂત આવતા નથી. મગફળી વેચવા માટે ખેડૂતોની નોંધણી પણ ગયા વર્ષ કરતા ઘણી જ ઓછી થઇ છે, એ ખેડૂતોનો નબળો ઉત્સાહ દર્શાવે છે.
માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ મગફળીનો ભાવ માર્કેટ યાર્ડોમાં સરેરાશ રૂા. 1245-1250 સુધી મળે છે. તેની સામે સરકારનો ટેકાનો ભાવ રૂા. 1170 જેટલો હોવાને લીધે ખેડુતો ટેકાના ભાવે માલ વેચવા તૈયાર થતા નથી. અલબત્ત કૃષિમંત્રી રાઘવજી પટેલે શનિવારથી સત્તાવાર રીતે ખરીદી શરૂ થઇ હોવાની જાહેરાત કરી દીધી છે. હવે બજાર ભાવ ટેકા કરતા નીચો જાય તો કેન્દ્રો પર ખેડૂતો આવશે તેમ માનવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં મગફળી વેચવા માટે 66,318 ખેડૂતોએ અત્યાર સુધી નામની નોંધણી કરાવી છે. જે ગયા વર્ષ કરતા ઘણી જ ઓછી છે. સોયાબીન વેચવા માટે 2740 ખેડૂતોની નોંધણી સરકારમાં થઇ છે. અને મગ વેચવા માટે 367 ખેડૂતોએ નામ લખાવ્યા છે. મગફળી ખરીદવા માટે સરકારે 9.79 લાખ ટનનો જથ્થો મંજૂર કર્યો છે. જ્યારે મગ માટે 9588 ટનની મંજૂરી મળી છે. અડદની ખરીદી માટે 23872 ટનની મંજૂરી મળી છે. જ્યારે સોયાબીન માટે સરકારે 81820 ટનની છૂટ આપી છે. સરકારે મગફળીની ખરીદી માટે રૂા.5727 કરોડની રકમ ફાળવી છે. જ્યારે મગ માટે રૂા. 78 કરોડ અને અડદ માટે રૂા. 99 કરોડ ફાળવાયા છે.