અમદાવાદ: ખેડૂતો કે જે પોતે સખત મહેનત કરીને અનાજને ઉગાવે છે, ખેડૂતો કે જે સમગ્ર દેશના લોકોનું પેટ ભરે છે પણ હવે સમય એવો આવ્યો છે કે તેમણે પોતે જ સતર્ક થવું પડશે. કારણ છે કે હાલમાં જ રાજ્યના કૃષિ વિભાગે અચાનક તપાસ હાથ ધરી અને 107 ઉત્પાદકોને આ મુદ્દે નોટિસ પણ ફટકારવામાં આવી છે. વધારે જાણકારી અનુસાર, જંતુનાશક દવાના 320 ઉત્પાદક યુનિટમાં આકસ્મિક તપાસ માટે કૃષિ વિભાગ દ્વારા એક સ્પેશિયલ સ્ક્વોર્ડ તૈયાર કરાઈ હતી. જેણે ઉત્પાદક યુનિટોમાં તપાસ કરી.
આવી નકલી દવા ખેડૂતાના પાકને નુકસાન કરતી હોવાના કરાણે મોટો જથ્થો રોકવામાં પણ આવ્યો. કૃષિ વિભાગે કુલ 51426 કિલોગ્રામ-લીટર જંતુનાશક દવાનો જથ્થો જપ્ત કર્યો. અત્યાર સુધીમાં કુલ 107 દવા ઉત્પાદક એકમોના સંચાલકોને નોટિસ પાઠવી છે.
સ્પેશિયલ સ્ક્વોડની આ તપાસમાં રાજ્યના 19 જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનિટમાંથી 91 નમૂના લેવામાં આવ્યા હતા. 107 જેટલા ઉત્પાદકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને 389.17 લાખ રૂપિયાનો દવાનો જથ્થો રોકવામાં આવ્યો છે. આ મામલે રાજ્યના 19 જિલ્લામાં 37 અધિકારીઓને તપાસ સોંપાઈ હતી. જેમણે બે દિવસ ડ્રાઈવ કરીને 320 એકમોમાં તપાસ કરી. જંતુનાશક દવાના કુલ 84 નમૂના તેમજ શંકાસ્પદ દવાના સાત નમૂના મળીને કુલ 91 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો માત્ર થોડો એવો વધારે નફો કમાવવા માટે લાખો લોકોના જીવ સાથે ચેડા કરતા હોય છે. આ પ્રકારની વૃતિઓ કરનારા લોકો સરકારને છેતરવાથી પણ ડરતા નથી અને લોકો વિશે પણ વિચારતા નથી. આ પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યા બાદ તૈયાર થયેલા પાક જ્યારે બજારમાં વેચાવા માટે આવે છે ત્યારે લોકોને પણ જાણ નથી હોતી કે તેઓ કેટલુ મોટુ જોખમ લઈ રહ્યા છે અને લોકો ભોળાભાવથી ખરીદી પણ કરી લેતા હોય છે.