પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતનો ઉનાળો વધુ આકરો બન્યો હતો. જેમાં ચારેબાજુએથી પાણીની બુમો ઊઠી છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. થરાદના ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી હતી. જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પાણીની સમસ્યા કંઇ નવી નથી. વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે રણ વિસ્તારમાં કેનાલો બનાવી છે, પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી. બીજી તરફ, પહાડી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. થોડા સમય અગાઉ ખેડૂતોએ મલાણાથી પાલનપુર પહોંચી કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરી હતી, જ્યારે સોમવારે થરાદના ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી હતી.
બનાસકાંઠાના સરહદી ગણાતા થરાદ તાલુકાના ખેડુતો પાણીની વિકટ સમસ્યાને લઇ આંદોલન પર ઊતર્યા છે. રાહથી થરાદ સુધી ખેડૂતોએ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. બાઈક રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોએ એવી રજુઆતો કરી હતી કે, 97 ગામને નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવવા આવે અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઊતરવું પડે છે, જેમાં થોડા સમય અગાઉ માલાણા તળાવ ભરવાને લઇ 10 હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા. ત્યાર બાદ વડગામ તાલુકાના કર્માવદ અને મુક્તેશ્વર ડેમ ભરવાની લઈ 20 હજારથી વધુ ખેડૂતો પાલનપુરમાં બે કિમીની પદયાત્રા કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડેમો ભરવાની લઈને રજૂઆત કરી હતી. જ્યારે હવે થરાદ પંથકના ખેડૂતોને રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે.