ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ખેડુતોએ પોતાના વાડી-ખેતરોમાં લગાવેલા વીજ મીટરને દુર કરવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખેડુતોની આ માગણીને સમર્થન આપી રહ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘે પણ બીલ-મીટર પ્રથા નાબુદ કરવાની માગ કરી છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોનો વહેલી વહેલી તકે નિકાલ આવે તેવી માંગ અવારનવાર કરવામાં આવતી હોવા છતાં સરકાર દ્વારા કોઈ પ્રશ્નનો નિકાલ કરાતો નથી. જેથી ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠક શનિવારે મળી હતી. આ બેઠકમાં ખેડુતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને સરકાર સામે લડતનાં મંડાણ કરવાં રણનીતિ ઘડવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય કિસાન સંઘના આગેવાનોની હાજરીમાં જુન મહિનામાં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ સાથે બેઠક યોજીને ભારતીય કિસાન સંઘના પડતર પ્રશ્નોને વહેલી વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના વીજ દર એક સમાન આપવામાં આવે સહિતની 13 માંગણીઓનો સમાવેશ હતો. પરંતુ ઘણા દિવસો વિત્યા હોવા છતાં પણ કોઈ પણ નિર્ણય ન આવતા શનિવારે અચાનક જ ભારતીય કિશાન સંઘની કારોબારી બેઠકનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું.
ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ શામજી મિયાત્રાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળીમાં મીટર લગાડવામાં આવ્યા છે, જે ખેડૂતો સિંચાઈ માટે વધારાના પાવરનો ઉપયોગ કરે છે તેમને બિલ વધારે આવે છે અને નાના ખેડૂતો છે જે ઉપયોગ કરે છે તેને બિલ આવે છે. જ્યારે કિસાન સંઘનું કહેવું છે કે તમામ ખેડૂતોને સમાન બિલ આવે અને મીટર પ્રથા નાબૂદ કરવામાં આવે. અગાઉ પણ આ બાબતે કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા પ્રધાન કનુભાઇ દેસાઇને પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકારે મીટર બાબતે ખેડૂતોને યોગ્ય વિચારણા કરવાની બાંહેધરી પણ આપી હતી પરંતુ કોઈ પણ નિર્ણય ન આવતા હવે કિસાન સંઘ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં પડતર માંગણીઓ સંદર્ભે હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી સરકાર સામે લડત લડવા માટેની રણનીતિ ઘડી કાઢવા બેઠક મળી હતી. છેલ્લા છ મહિનાથી સરકાર પાસે સમાન વીજ દરની માંગ કરવામાં આવી રહી છે. પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. શનિવારે મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય કિસાન સંઘ દ્વારા સમાન વીજ દર, વીમા સહિતની 13 માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. લમ્પી વાયરસનાં પગલે મૃત પશુઓના સરકાર અને સંઘના આંકડામાં વિસંગતતા છે. રસીકરણ ખૂબ ધીમું હતું. જે પ્રમાણે કરવું જોઈએ એ નથી કર્યું. ભારતીય કિસાન સંઘ બિનરાજકીય સંગઠન છે. અમે ખેડૂતોને સાથે રાખી સંયુક્ત નિર્ણય કરીએ છીએ. જેનાં પગલે કારોબારી બેઠકમાં ગહન ચર્ચા વિચારણા કરીને સરકાર સામે ખેડુતોના પ્રશ્નો ઉકેલવા લડતના કાર્યક્રમો નક્કી કરાયા હતા.