પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં ઉનાળા દરમિયાન સૌથી વધુ પાણીની સમસ્યા બનાસકાંઠામાં ઊભી થઈ હતી. લોકોને પાણી માટે આંદોલનો કરવાની ફરજ પણ પડી હતી. ત્યારે હવે જિલ્લાના ખેડુતો હવે વરસાદના પાણીના એક એક ટીપાનો સંગ્રહ કરવા માટે જાગૃત બન્યા છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે જિલ્લાના ખેડુતો પાણીને પ્રભુનો પ્રસાદ સમજીને વરસાદના ટીંપે ટીંપા પાણીનો સંગ્રહ કરવા સંકલ્પબદ્ધ બન્યાં છે. જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં ધાનેરા, ડીસા અને થરાદ તાલુકાના ખેડુતો વરસાદી પાણીથી ખેતી કરવા ખેતરોમાં ખેત તલાવડીનું નિર્માણ કરી રહ્યાં છે. જ્યારે ઘણાબધી ખેડુતોએ બોર અને કૂવા રિચાર્જ માટેની વ્યવસ્થા પણ ઊભી કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક વિષમતાઓ વચ્ચે પણ ખેતી અને પશુપાલનમાં અગ્રેસર રહી રાજ્યના અન્ય જિલ્લાઓ માટે દિશા દર્શક બની રહ્યો છે. જિલ્લાના પાણીદાર ખેડૂતોએ પાણીનું મૂલ્ય સમજી નાના ચેકડેમ, તળાવ, વોટરસેડ, કાચા પાળા, આડા ચાસ, નાળા પ્લાનિંગ જેવા અનેકવિધ પ્રયાસોથી પાણીનું વ્યવસ્થિત વ્યવસ્થાપન કરી રાજ્યના બીજા જિલ્લાઓ માટે પથ દર્શકની ભૂમિકા અદા કરી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની એક ટીમ જિલ્લાની મુલાકાતે આવી હતી. અને ખેડુતો સાથે વરસાદના પાણીના સંગ્રહ માટે સંવાદ કર્યો હતો. વરસાદના પાણીના સંગ્રહ માટે હવે તો ગામેગામ જાગૃતી આવતી જાય છે. ઘણાબધા ખેડુતોએ પાતાના ખેતરમાં જ ખેત તળાવડીઓ બનાવી છે, તળાવડીઓમાં પ્લાસ્ટિકની ચાદર પાથરીને વરસાદી પાણી ભરાયેલું રહે એવું આયોજન કર્યું છે. ઉપરાંત ઘણા ખેડુતોએ બોર-કૂવા રિચાર્જ માટે પણ વ્યવસ્થા ઊભી કરી છે. વરસાદી પાણી સીધુ બોર-કૂવામાં ઉતરે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવું આયોજન કર્યું છે.