પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતોને ખેતીમાં સિંચાઇ માટે અનિયમિત વીજળી મળતાં ખેડૂતોને કૃષિમાં નુકશાન સહન કરવું પડી રહ્યું છે. સોમવારે ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિત રજૂઆત કરીને આઠ કલાક સુધી થ્રી ફેઝ વીજળીની માંગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રવિ સિઝન પૂર્ણ થતાં મોટાભાગના વિસ્તારોમાં હાલ ઉનાળું વાવેતર કરવામાં આવી રહ્યું છે. પરંતુ વાવણી ટાણે જ વીજળીના ધાધિયાથી ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં હાલ ઉનાળું વાવેતરનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે જ છેલ્લા ઘણા સમયથી વીજ કંપની દ્વારા અનિયમિત વીજળી આપવામાં આવી રહી છે. વીજળીના ધાંધિયાથી ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખેડુતોએ વીજળીની સમસ્યા અંગે સ્થાનિક વીજ તંત્રની ઓફિસમાં રજુઆતો પણ કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિત રજૂઆત કરીને આઠ કલાક સુધી થ્રી ફેઝ વીજળીની માંગ કરી હતી.
આ ઉપરાંત ઓછા વોલ્ટેજ વાળો વીજ પુરવઠો આપવામાં આવતો હોવાના લીધે ખેડૂતોની મોટરો પણ બળી જાય છે. આ ઉપરાંત અપૂરતી વીજળી મળતી હોવાના લીધે ખેડૂતો સિંચાઇ પણ કરી શકતા નથી અને તેના લીધે ખેતીમાં પણ વારંવાર નુકશાન સહન કરવું પડી રહ્યું છે. જેને પગલે સોમવારે ભારતીય કિસાન સંઘ ડીસા ખાતે આવેલી 132 કે.વી.સબ સ્ટેશનના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજુઆત કરી આ સમસ્યાનું નિવારણ લાવવાની માંગણી કરી હતી અને સાથે સાથે ચીમકી ઉચ્ચારી છે કે અઠવાડિયામાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો કિસાન સંઘ આંદોલન કરશે તેમ ડીસા તાલુકા પ્રમુખ મોહનલાલ માળીએ જણાવ્યું હતું.