રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં કરાયું છે. ખેડુતો શાકભાજી વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવે છે. તો પુરતા ભાવ મળતા જ નથી. ખેડુતોને લીલા શાકભાજી માર્કેટિંગ યાર્ડ સુધી લાવવાનો ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ પણ નિકળતો નથી.બીજીબાજુ ગ્રાહકોને પણ સસ્તુ શાકભાજી મળતુ નથી, એટલે વચેટિયાઓ ધૂમ કમાય છે. ખેડુતો જથ્થાબંધ વેપારીઓને ગાંસડીના ભાવે શાકભાજી વેચતા હોય છે. અને શાકભાજીના છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી શાકભાજી ખરીદતા હોય છે. આમ આખી ચેનલ ગોઠવાયેલી હોય છે. એમાં વચ્ચે દલાલો પણ કમિશન મેળવી લેતા હોય છે. એટલે ખેડુતોને પુરતા ભાવો મળતા નથી અને બીજીબાજુ ગ્રાહકોને ત્રણ ગણાભાવ આપવા પડે છે.
ખેડૂતોને માર્કેટયાર્ડમાં શાકભાજીના પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતોને શાકભાજી માર્કેટયાર્ડ પહોચાડવા માટેનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, વચેટિયાઓ આ સ્થિતિમાં સૌથી વધુ કમાણી કરી રહ્યા છે. એક મહિના પહેલા આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ એટલાબધા ગગડી ગયા છે.કે, ખેડુતોને પોસાય તેમ નથી. ચોમાસાની સિઝન અંત તરફ આવતા શાકભાજીનું ભરપૂર ઉત્પાદન થઈ રહ્યું છે, જેના કારણે આવક વધતા હોલસેલ ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. જો કે શાકભાજીના છૂટક માર્કેટમાં ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.
ખેડુકો પાસેથી પાણીના ભાવે શાકભાજી ખરીદવામાં આવે છે, જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે વચેટીયા વધુ કમાઈ રહ્યા છે. ત્યારે સરકાર ઓછા ભાવ અને નિકાસ અંગે પ્રયાસ કરે તેવી ખેડૂતોની માગ છે. વચેટીયાઓ ખેડૂતોને રીતસરના લૂંટી રહ્યા છે. બજારમાં 20થી 50 રૂપિયા કિલોએ મળતા શાકભાજી ખેડૂતો પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદવામાં આવે છે. હોલસેલ અને રીટેલમાં ખેડૂતોને મળતા શાકભાજીના કિલોદીઠ ભાવ પર નજર કરીએ તો ગુવાર 8થી 10 રૂપિયા, રિંગણ 6થી 8 રૂપિયા, મરચા 3થી 5 રૂપિયા, કારેલા 7થી 10 રૂપિયા, દૂધી 5થી 7 રૂપિયા, ભીંડો 12થી 15 રૂપિયા આપવામાં આવે છે. ટામેટા 10થી 12 રૂપિયા, કોથમરી 15થી 20 રૂપિયા, કોબી 8થી 10 રૂપિયા, જ્યારે ફ્લાવર 10થી 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે. જ્યારે બજારમાં આ શાકભાજી પહોંચે ત્યારે તેના ભાવ બેથી ત્રણ ગણા વધારીને વેચવામાં આવી રહ્યા છે. રીટેલમાં આજ શાકભાજીને 30થી 50 રૂપિયા કિલોમાં વેચવામાં આવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં મફતના ભાવે વેચાતું શાકભાજી લોકોને સસ્તાભાવે મળવું જોઈએ. જ્યારે શાકભાજીના ભાવ આસમાને હોય છે, ત્યારે લોકો તેના મસમોટા ભાવ ચૂકવે છે, પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે હોય ત્યારે લોકોને જેટલું સસ્તું શાકભાજી મળવું જોઈએ તેટલું નથી મળતું. કારણ કે વચેટિયાઓ ખેડૂતો પાસેથી તળિયાના ભાવે શાકભાજી ખરીદી વેપારીઓને સારી એવી કિંમતમાં વેચે છે.