ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોને થતા અન્યાય સામે 3 જિલ્લાના ખેડુતોએ ઘડી રણનીતિ
પ્રાંતિજઃ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોના અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટ કર્યા બાદ ખેડુતો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ધનસુરા અને દહેગામ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈને કોંન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દે રણનિતી ઘડી હતી. હાલમાં ઉત્તર ગુજરાતમાં બટાકાનુ ઉત્પાદન કરતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોષણક્ષણ ભાવની માંગ કરીને રણનિતી ગોઠવી રહ્યા છે. જેના ભાગરુપે પ્રાંતિજના રામપુરા-સોનાસણ વિસ્તારમાં ખેડૂતો એકઠા થયા હતા અને આ મામલે બાંયો ચઢાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠાં અને અરવલ્લી જિલ્લાના પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી થઈ રહી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિગ પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થઇ રહ્યુ છે. પરંતુ હાલમાં બટાકાની વાવણી કરવી અને તેની માવજત કરીને તેનુ ઉત્પાદન કરવુ ખૂબ જ ખર્ચાળ છે. આ માટે થઈને ખેડૂતો દ્વારા ભાવ પોષણક્ષમ રાખવા માટેની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો હવે કોન્ટ્રાક ફાર્મિંગ કરવા મામલે કંપનીઓ પાસે ભાવ વધારો માંગી રહ્યા છે. અગાઉ ગત સપ્તાહે બેઠક યોજ્યા બાદ ફરીથી વધુ એક બેઠક યોજવામાં આવી છે. આ વખતે સોનાસણ પંથકના ખેડૂતોએ આ બેઠકનુ આયોજન કર્યુ હતુ અને જેમાં પણ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હવે ખેડૂતોએ આ ભાવ વધારો અપોષણક્ષમ હોવાને લઈને બાંયો ચઢાવી લીધી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ વાવેતર પહેલા ખેડૂતો સાથે ભાવો અને અલગ અલગ મુદા સાથે કરાર કરતા હોય છે. જેમાં ખેડૂતોને ગત સાલે 180 થી 210 રૂપિયા પ્રતિ મણે ભાવ ચૂકવ્યા હતા. પરંતુ વધતી મોંઘવારી સામે આ ભાવો પોષાય એમ ના હોવાને લઇ હવે ખેડૂતો સંગઠિત થઈ કંપનીઓ પાસે પ્રતિ મણે 300 રૂપિયા કરતા વધુ ભાવોની માગ કરી છે. વધતા જ ખાતર અને દવા સહિતના માવજતના ખર્ચને પહોંચવુ એ મુશ્કેલ છે. આ જ મુદ્દા પર ખેડૂતો દ્વારા રણનિતી ઘડવામાં આવી રહી છે અને ગામે ગામ ખેડૂતોને માંગને હવે દિવસે દિવસે એક અવાજ સ્વરુપે કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક આગેવાનોને પણ જોડવામાં આવી રહ્યા છે. જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ભાવ વધારો નહીં કરવામાં આવે તો ખેડૂતો આ મુદ્દા પર લડત કરશે તેવી સ્થિતી વર્તાવા લાગી છે.
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના ખેડૂતો અહીં એકઠા થયા છીએ. છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ એક જ ભાવ મળી રહ્યા છે. જેથી કોન્ટ્રાક્ટમાં નવા રેટ ચૂકવવા જોઈએ. હાલમાં જે ભાવ મળે છે એના કરતા 300 રુપિયાના સપોર્ટ ભાવ ચૂકવવા જોઈએ એવી અમારી માંગણી છે. સોનાસણ ગામના અગ્રણી ખેડૂતના કહેવા મુજબ હાલમાં તમામ રીતે ખેતી મોંઘી બની છે, આવી સ્થિતિમાં સસ્તા ભાવે કોન્ટ્રાક્ટ વડે ખેતી કરવી એ મુશ્કેલ છે. માટે જ અમારે પોષણક્ષમ ભાવની જરુર છે. કારણ કે હાલના ભાવ પરવડે એમ નથી. નહીતર અમારે હવે ખેતી બદલવી પડશે. બનાસકાંઠાથી ઉપસ્થિત રહેલા ખેડૂતે કહ્યુ હતુ કે, ખેડૂતઓએ સંગઠીત થઈને ભાવ અમને પોષણક્ષમ ભાવ મળે એ અમારી માંગ છે અને અમારા કેટલાક પડતર પ્રશ્નો છે, જેની રજૂઆત માટે માંગ કરી છે. બટાકાના ભાવના મુદ્દે હવે ખેડૂતો સંગઠીત થઈ રહ્યા છે અને લડતની રણનિતી પણ ઘડી રહ્યા છે. એટલે હવે બેઠકોનો દૌર રસ્તાઓ પર પહોંચે એવી વકી વર્તાઈ રહી છે. જેને લઈ હવે કંપનીઓએ આ મામલે રસ્તો નિકાળવો જરુરી બન્યો છે.