અમદાવાદઃ ઉઝાનું માર્કેટ યાર્ડ જીરાની આવકમાં નંબર વન રહેતુ હોય છે. હવે ગરમી વધતા જીરુંની આવકોમાં વધારો થઇ રહ્યો છે. ઊંઝા ખાતે હાલમાં જીરુંની આવક સંપૂર્ણપણે સૌરાષ્ટ્રમાંથી થાય છે. રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, કચ્છથી ખેડુતોજીરૂ વેચવા માટે ઊંઝા માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. ઉપરાંત આગામી સપ્તાહથી રાજસ્થાન તેમજ બનાસકાંઠાના થરાદના તાલુકામાંથી બાડમેર, આવકો શરૂ થશે. રાજસ્થાનના બાડમેર, ઝાલોર, આબુરોડ, શિરોહી તેમજ જયપુર સુધીનો માલ પણ ઊંઝા ખાતે આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી નવા માલની પાંચથી છ હજાર બોરીની દૈનિક આવક થાય છે. રાજસ્થાનની મોટા ભાગની આવકો હોળી બાદ જ શરૂ થશે. જેમ જેમ ગરમી વધશે તેમ આવકોમાં વધારો થશે. જૂના માલની છથી સાત હજાર બોરીની આવકો થઇ હતી. વેપાર પાંચથી છ હજાર બોરીના રહ્યા હતા.
ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ જણાવ્યા મુજબ જીરાના પાકમાં ઓછા ઉત્પાદનની ધારણાએ છેલ્લા ત્રણ મહિનામાં મણદીઠ રૂ. 1300નો વધારો થયો છે. તેથી સ્ટોકિસ્ટો પોતાની પાસે રહેલો વધારાનો માલ બજારમાં ઠાલવી રહ્યા છે. જે રૂ. 2500-2600ના માલ હતા તે હાલમા રૂ. 3800ના ભાવે વેચાઇ રહ્યા છે. જોકે હજુ નિકાસ કામકાજનો અભાવ જોવા મળી રહ્યા છે. જીરુંના નવા માલના રૂ. 3100થી 4000 ભાવ ચાલી રહ્યા છે. તેમાં ફક્ત એક વકલના રૂ. 4300 બોલાયા હતા પરંતુ તે ટકી શક્યા ન હતા. આવકોના દબાણે બજાર પાછી પડશે તેમાં શંકા નથી અને જૂના અને નવા માલના એક જ ભાવ અલબત્ત રૂ. 3500ની આસપાસ રહેશે. દરમિયાનમાં જૂના માલના રૂ. 3800થી 3900 ચાલી રહ્યા છે. વરિયાળીમાં આબુરોડની બેસ્ટ કલર માલની 2500 બોરીની અને એમપીની 300-400 બોરીની આવકો નોંધાઇ હતી. આશરે ચારેક હજાર બોરીનો વેપાર થાય છે. જનરલ ભાવ રૂ. 1500થી 3800 અને બેસ્ટ ગ્રીન માલના રૂ. 3200થી 3800 બોલાય છે. વરિયાળીનુ ઉત્પાદન પાછલા વર્ષ જેટલું જ એટલે કે 12થી 13 લાખ બોરીનું થશે. તેવી ધારણા છે.
ઊંઝા માર્કેટ યાર્ડના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઇસબૂગલમાં વિતેલા સપ્તાહે ફોરેનની માગ પાછળ રૂ. 100નો વધારો થયો હતો. તેમાં વિતેલા સપ્તાહે રૂ. 2700થી 2800નો ભાવ હતો. ઇસબૂગલની નિકાસ વિશ્વના તમામ દેશોમાં થાય છે. અજમામાં 800થી 900નો બોરીની આવકો થઇ હતી હવે ગરમી વધતા આવકો વધશે. તેના ભાવ નીચામાં રૂ. 1800થી ઊંચામાં 2800 સુધીના ભાવ રહ્યા હતા. જ્યારે રાયડામાં નવા માલની 500 બોરીની આવકો થાય છે. ધાણામાં સૌરાષ્ટ્રની રૂ. 500-600ની બોરીની આવકો શરૂ થઇ ગઇ છે. ગ્રીન માલના રૂ. 2300થી 2400 રહ્યા હતા. અને હલકા માલના રૂ. 1700થી 2400 ચાલી રહ્યા હતા.