ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચા, કપાસ અને મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતોને રાહત
રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં લાભ પાંચમના મુહુર્ત બાદ ફરી ખરીફ પાકની વિવિધ આવકથી ઊબરાવવા લાગ્યા છે. જેમાં ગોંડલના APMCમાં સોમવારે કપાસ, મગફળી, સોયાબિન, ડુંગળી, સુકા મરચા સહિતના પાકોની સારીએવી આવક થઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી. સોમવારે યાર્ડમાં લાલ સુકા મરચાની ભરપૂર આવક થઈ હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં સોમવારે ખરીફ પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. લાભપાંચમ દિને વેપારીઓએ મુહૂર્તના સોદા કર્યા બાદ યાર્ડમાં સારી આવકથી વેપારીઓમાં પણ ખૂશી જોવા મળી રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડ એટલે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ ગણાય છે. ત્યારે યાર્ડમાં દિવાળી બાદ ખેડૂતો પોતાનો પાક વેચવા આવી રહ્યા છે. યાર્ડમાં સોમવારે મગફળી, કપાસ, સોયાબીન સહિત જણસીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. આ સાથે જ શાકભાજીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં સોમવારે જીણી અને જાડી મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. જીણી મગફળીની 5,350 ગુણી અને જાડી મગફળીની 16,215 ગુણી મગફળીની આવક થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો જીણી મગફળીનો ભાવ 901થી 1,436 રૂપિયા અને જાડી મગફળીનો ભાવ 811થી 1,386 રૂપિયા પ્રતિ મણનો બોલાયો હતો. આ ઉપરાંત લાલ સુકા મરચાની ભરપૂર આવક થઈ હતી. સુકા લાલ મરચાની આવક 4,105 ગુણી આવક થઈ હતી જેના ભાવ 1,301થી 4,701 રૂપિયા બોલાયા હતા. ધાણાની 10,010 ગુણી આવક થઈ હતી જેના ભાવ 1,000થી 1,641 રૂપિયા બોલાયા હતા. શાકભાજીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી. ટામેટાની 24,440 કિલો, લીલા મરચાની 14,170, રીંગણાની 12,980 અને બટાકાની 81,800 કિલો આવક થઈ હતી.