Site icon Revoi.in

ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડુતોનો વધતો જતો વિરોધ, 20મીએે ગાંધીનગરમાં ખેડૂતોની મહાસભા

Social Share

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડુતોની સંપાદનને મામલે વિરોધ વધતો જાય છે. બનાસકાંઠાના થરાદથી લઈને જે વિસ્તારોમાં ભારતા માલા પ્રોજેક્ટ  સાકાર થઈ રહ્યો છે, તે વિસ્તારોના ખેડુતોને જમીન સંપાદન અંગે નોટિસો મળી છે. જેને પગલે અસરગ્રસ્ત ખેડુતોને એકજૂથ કરવા માટે તારીખ 20મી, સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ માટે પોતાની ફળદ્રુપ જમીન કોઇપણ કાળે નહી આપવાનો ખેડુતોએ ગલુદણ ખાતે મળેલી બેઠકમાં નિર્ધાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ થકી થરાદથી રોડ બનાવવામાં આવી રહ્યો છે.આ રોડના નિર્માણમાં ખેડુતોને ત્રણ પાક લેતી પીયતવાળી જમીન સંપાદન થઈ રહી છે. ત્યારે પોતાની ગ્રીન બેલ્ટવાળી જમીન કોઇ કાળે રોડ માટે નહી આપવાના નિર્ધાર સાથે જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોને તબક્કાવાર બેઠકો યોજવામાં આવી રહી છે. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં સોમવારે ગલૂદણ ખાતે જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોની બેઠક મળી હતી.તેમાં ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થરાદથી લઈ અમદાવાદ સુધીના તમામ ખેડુતોને સામેલ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત અસરગ્રસ્ત ખેડુતો પોતાની જમીન નહી આપવાનો નિર્ધાર પણ બેઠકમાં કરવામાં આવ્યો હતો. ગલુદણ ખાતેની બેઠકમાં ઉપસ્થિત 800 જેટલા ખેડુતોએ પોતાનો પ્રાણ આપી દઇશું પરંતુ કિંમતી જમીન નહી આપવાનો એક સૂર ઉઠ્યો હતો.

આ બેઠકમાં ભારતમાલા પ્રોજેક્ટ થકી બનાવવામાં આવનાર રોડને કારણે આગામી સમયમાં કેવા કેવા પ્રકારની મૂશ્કલીઓ ઉભી થશે. તેનાથી ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આથી ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત તમામ ખેડુતો એકજૂથ થઇને વિરોધ કરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકમાં આગામી સમયમાં કેવા કેવા પ્રકારના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે તેની પણ પ્રાથમિક રૂપરેખા રજુ કરી હતી. જો ખેડુતોની ગ્રીન બેલ્ટ જેવી ફળદ્રુપ જમીન રોડ બનાવવામાં લેવાની કામગીરી બંધ નહી કરવામાં આવે તો આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી ખેડુતોએ ઉચ્ચારી હતી. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરમાં આગામી તારીખ 20મી, સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાક સત્યાગ્રહ છાવણીમાં મહાસભાનું આયોજન કરાશે.